માથાકૂટમાં ચાર ઘાયલ:મહેસાણાના વડસમાં ગરબા મૂકી ઘરે પરત ફરતાં પરિવારને જાણી જોઇને માથાભારે શખ્સે બાઇકની ટક્કર મારી, બાદમાં ઘરે આવીને હુમલો કર્યો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની અદાવત રાખી બાઇકથી ટક્કર માર્યા બાદ ઘરે આવી હુમલો કર્યો
  • હુમલામાં રાવળ પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા

મહેસાણા જિલ્લામાં આવેલા વડસમાં ગામમાં ગરબાનો પ્રસંગ પૂરો કરી એક પરિવાર પોતાના ઘરે જઇ રહ્યો હતો, ત્યારે ગામના એક શખ્સે જાણી જોઈને ઘરે જતા પરિવાર વચ્ચે પોતાનું બાઈક ઘૂસાડી દેતા એક મહિલા ને ઇજા થઇ હતી. બાદમાં ગામના કેટલાક ઈસમોએ ફરિયાદીના ઘરે જઇ ઉગ્ર બોલાચાલી કર્યા બાદ રાવળ પરિવારના ચાર લોકો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. આ અંગે લાઘણજ પોલીસ મથક ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણાના વડસ ગામમાં રબાનો પ્રસંગ પતાવી ફરિયાદી કાળીબેન પોતાના પરિવાર સાથે રોડ પર ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ગામનો દરબાર કકાજી પૂજાજી નામનો શખ્સ પોતાનું બાઈક લઇ આવી પરિવાર વચ્ચે ઘુસાડી દીધું હતું. જેમાં એક મહિલાને ઇજા પહોંચી હતી. જેથી પરિવાર આરોપી કકાજીના ડરના કારણે પોતાના ઘરે જતો રહ્યો હતો. બાદમાં આરોપી કકાજી પોતાની સાથે અન્ય ત્રણ ઈસમો સાથે ધોકા અને લોખંડની પાઇપ લઇ આવી જૂની અદાવત રાખી ગાળાગાળી કરી હતી.

ત્યારબાદ આરોપીએ ઉશ્કેરાઇને ફરિયાદીના વાળ પકડી ચોકમાં લાવીને લોખંડની પાઇપો મારી ઇજાગ્રસ્ત બનાવ્યા હતા. હુમલામાં પરિવારના અન્ય ત્રણ સભ્યો છોડાવવા જતા તેઓને પણ લોખંડની પાઇપ અને ધોકા વડે માર મારી ઘાયલ થયા હતા.

સમગ્ર મામલો ઉગ્ર બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરતા ઘાયલ થયેલા ચાર વ્યક્તિઓને લાઘણજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, બાદમાં વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત બનેલા સિંધવા કાળીબેનએ કકાજી પૂજાજી સામે લાઘણજ પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...