મહેસાણા જિલ્લાના તોલમાપ વિભાગે શહેરના માલગોડાઉન રોડ પર આવેલા લોખંડના વેપારીઓને ત્યાં દરોડા પાડી તપાસ આદરી હતી. જેમાં તપાસ દરમિયાન પાંચ વેપારી ગાઈડલાઈનનો ભંગ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તપાસ કરતા અધિકારીઓએ પાંચ વેપારીઓને દંડ ફટકાર્યા હતા. જોકે રેડ દરમિયાન અન્ય લોખંડના વેપારીઓ ટપોટપ પોતાની દુકાનોના શટરો પાડી ઘર ભેગા થઈ ગયા હતા.
વેપારીઓ લોખંડનું વજન ઓછું આપતા હોવાનું સામે આવ્યું
મહેસાણા તોલમાપ વિભાગના નિયંત્રક એન.એમ.રાઠોડની દેખરેખ હેઠળ મહેસાણા જિલ્લાના તોલમાપ અધિકારી એસ.વી.પટેલ અને તાબા હેઠળના નિરીક્ષકોએ મહેસાણા ખાતે આવેલા માલગોડાઉન રોડ પર લોખંડના વ્યાપર કરતા વ્યાપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. જેમાં ગ્રાહકોને આપવામાં આવતો લોખંડના જથ્થાનું વજન બરોબર છે કે નહીં, તેમજ વ્યાપારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઈલેક્ટ્રોનિક વજન કાંટા બરોબર છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાંચ વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બે લોખંડના વ્યાપારીઓ લોખંડ વજન ઓછું આપતા હોવાનું સામે આવ્યું હતું. તેમજ અન્ય ત્રણ વ્યાપારીઓના ઈલેક્ટ્રોનિક વજન કાંટા તોલમાપના ધારા ધોરણ મુજબ ન હોવાનું અને કાંટાનું વેરિફિકેશન ના કરાવ્યાં હોવાનું જાણવા મળતા કુલ પાંચ વેપારી સામે લીગલ મેટ્રોલોજી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વેપારીઓ પાસે 90 હજાર રૂપિયા પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.
લોખંડના વ્યાપારીઓને ત્યાં પ્રથમવાર તપાસ કરાઈ
તોલમાપ વિભાગના નાયબ નિયંત્રક એન.એમ.રાઠોડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે લોખંડના જે વેપારી છે એમના વજન કાંટામાં કોઈ ગરબડ છે કે કેમ, લોખંડનો જથ્થો ગ્રાહકોને બરોબર આપે છે કે નહીં એ બાબતે તપાસ કરી હતી. એમાં બે વેપારી એવા નીકળ્યાં કે જે લોખંડમાં વજન ઓછું આપે છે. બાકીના વ્યાપારીઓના કાંટા વજનની જોગવાઈમાં છે કે નહીં એ તપાસ કરાઈ હતી. કાંટા દર વર્ષ રિન્યુ કરાવવા પડે એ કરાવેલા નહોતા એવા પાંચ વેપારી સામે કાર્યવાહી કરી હતી. જેમાં 90 હજાર રૂપિયા પેનલ્ટી વસૂલ કરી હતી.
તેમજ મહેસાણા નુગર બાયપાસ પાસે ફૂડ પેકર આવેલ છે, તેણે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. તેની પાસેથી પણ 12 હજાર રૂપિયા પેનલ્ટી વસૂલ કરાઈ હતી. તમામ તપાસ દરમિયાન કુલ 1 લાખ રૂપિયા પેનલ્ટી વસૂલ કરાઈ પ્રથમવાર લોખંડ બજારમાં આવી રેડ કરાઈ છે. જેમાં 5 વેપારી સામે કાર્યવાહી કરાઈ એ જોઈ બાકીના બીજા વેપારીઓ પણ બધુ બંધ કરીને ત્યાંથી નિકળી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.