નવતર પ્રયાસ:હવે ટ્રાફિક પોલીસના ખભે હશે કેમેરો જે તમામ ગતિવિધિઓનું રેકોર્ડિંગ કરશે

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશની જેમ હવે મહેસાણા પોલીસ પણ માત્ર સિટી નહીં કેમેરા સાથે ફરજ બજાવશે
  • મહેસાણા જિલ્લા પોલીસને 243 બોડી વોર્મ કેમેરા ફાળવાયા

ટ્રાફિક પોલીસની છબી સુધારવા રાજ્ય સરકાર દ્વારા નવતર પ્રયાસ હાથ ધરાયો છે. જેના ભાગરૂપે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે મહેસાણા જિલ્લાની ટ્રાફિક પોલીસને પણ બોડી કેમેરા આપવામાં આવ્યા છે. જેને લઇ હવેથી સ્થળ દંડ મામલે કે પછી અન્ય કોઈ બાબતે ટ્રાફિક પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન કે જીભાજોડી કરનાર વાહન ચાલકો તેમાં કેદ થઇ જશે. આવા કિસ્સાઓમાં આ કેમેરા નિર્દોષતા સાબિત કરવા ટ્રાફિક પોલીસ માટે સાક્ષી પણ બની રહેશે.

રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લા પોલીસને 22 પોલીસ મથકો વચ્ચે 243 બોડી કૅમેરા ફાળવાયાં છે. જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા કોઈ પોલીસ મથકમાં 10, તો કોઈમાં 20 એમ જરૂર મુજબ ફાળવી દેવાયા છે. સૌથી વધુ 25 બોડી કૅમેરા મહેસાણા સિટી ટ્રાફિક પોલીસને, જ્યારે હાઈવે ટ્રાફિકને 5-5 કેમેરા ફાળવ્યા છે. આ કેમેરા કેવી રીતે કામ કરશે તે અંગેની જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં પાલિકાના હોલમાં તમામ ટ્રાફિક પોલીસ કર્મીઓને તાલીમ પણ અપાઇ હતી અને આગામી દિવસોમાં મહેસાણા જિલ્લામાં પણ ગાંધીનગર વડી કચેરીના આદેશ બાદ ટ્રાફિક કર્મીઓ બોડી કેમેરા સાથે પોતાની ટ્રાફિકની કામગીરી શરૂ કરશે.

બોડી કેમેરા આ રીતે કામ કરશે
નાનો બોડી કેમેરો ટ્રાફિક પોલીસ કર્મીના શરીરે ખભાના ભાગે લગાવવામાં આવશે, જે કેમેરો ઓટો હોવાથી કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મીની તમામ ગતિવિધિનું રેકોર્ડિંગ કરશે.

એસપી ઓફિસ બેઠાં ટ્રાફિકની કામગીરીનું સુપરવિઝન કરી શકશે
જિલ્લાના ટ્રાફિક પોલીસ કર્મીઓ માર્ગો પર કામગીરી બરાબર કરી રહ્યા છે કે નહીં તે જોવા માટે જિલ્લા પોલીસવડાને જાતે બહાર નીકળવું પડતું હતું. જ્યારે આ બોડી કેમેરાને પગલે SP પોતાની ચેમ્બરમાં બેઠા બેઠા ટ્રાફિક પોલીસ કર્મીઓનું લાઇવ સુપરવિઝન કરી શકશે.

બોડી કેમેરાથી લોકોને આ ફાયદો થશે
ટ્રાફિક પોલીસ કર્મીના શરીર ઉપર જ લાઈવ અને રેકોર્ડિંગયુક્ત કેમેરો લાગતાં કર્મચારી હવે વાહનચાલકો અને લોકો પાસેથી ગેરકાયદે નાણાં નહીં લઈ શકે. તેમની સાથે બેહૂદુ કે ગાળાગાળીભર્યું વર્તન પણ નહીં કરી શકે. સામે પક્ષે જો કોઇ વાહન ચાલક પણ ટ્રાફિક પોલીસ કર્મી સાથે અસભ્ય વર્તન કરશે તો કૅમેરામાં થયેલા રેકોર્ડિંગના પુરાવાને કારણે કાયદાની ચુંગાલમાંથી બચી પણ નહીં શકે.

8 કલાક કેમેરો ચાલુ રહી શકે છે
8 કલાકની બેટરી બેકઅપ ધરાવતા આ કેમેરા સતત 8 કલાક ચાલુ રહેશે. તેને મોબાઈલની જેમ ચાર્જ કરી શકાશે. તેમજ સીસીટીવી કેમેરાની જેમ આ કેમેરામાંથી લાઈવ ફૂટેજ ડાઉનલોડ પણ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...