નિર્ણય:હવે મહેસાણા-2માં મલ્ટીપર્પઝ હેલ્થ ક્લબ, સ્પોર્ટસ સંકુલ બનાવવા તૈયારી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાની 25મી એપ્રિલે મળનારી સામાન્ય સભામાં ઠરાવ કરાશે
  • રાધનપુર​​​​​​​ રોડ પર કમળપથ અને રાધે એક્ઝોટિકા વચ્ચેની જગ્યા પસંદ કરાઇ

મહેસાણા નગરપાલિકામાં 25મી એપ્રિલે મળનારી સામાન્ય સભામાં સિટી-2માં રાધનપુર રોડ પર કમળપથ અને રાધે એક્ઝોટિકા પાછળ આવેલી સરકારી જગ્યામાં નવું મલ્ટી પર્પઝ હેલ્થ ક્લબ અને સ્પોર્ટસ સંકુલ બનાવવા ઠરાવ કરવામાં આવશે.

નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે વોર્ડ 7માં આવેલ કમળપથ નજીક અને રાધે એક્ઝોટિકા પાછળ અંદાજે 20 હજાર ચોરસ મીટર સરકારી ગૌચર જગ્યા પડી છે. આ જગ્યામાં સ્પોર્ટ્સ તથા મલ્ટીપર્પઝ સંકુલ બનાવવા નગરસેવક અશોકભાઈ પટેલ દ્વારા દરખાસ્ત આવેલી છે. આ જગ્યા સરકારી માલિકીની હોય કલેક્ટર પાસે માગણી કરી જગ્યા માટેનો થતો ચાર્જ ભરવાનું કામ કરી જમીન મેળવી સંકુલ ઊભું કરવાના કામ અંગે પરામર્શ કરી નિર્ણય લેવાશે.

જ્યારે નગરપાલિકાએ બનાવેલ ટાઉનહોલનું નામાભિધાન પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ કરાયું છે. મહેસાણા નાગરિક સહકારી બેંક દ્વારા ટાઉનહોલ બનાવવા 1993માં નગરપાલિકાને 30 લાખનું દાન અપાયું હતું અને તે વખતે નામાભિધાન ધી મહેસાણા નગરપાલિકા ટાઉનહોલ મહેસાણા નાગરિક સહકારી બેંક લી. મહેસાણા સૌજન્યથી કરવાનું ઠરાવાયું હતું. જોકે, નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ નામાભિધાન કરી નાગરિક બેંકનો કોઈ ઉલ્લેખ ન કરાયો હોય મહેસાણા નાગરિક સહકારી બેંક કોર્ટમાં ગઈ હતી.

જેમાં મહેસાણા બીજા એડિશનલ સિવિલ જજે હુકમ કર્યો કે 19 જાન્યુઆરી 1993ના ઠરાવમાં નક્કી થયેલ શરત મુજબ ટાઉનહોલનું નામાભિધાન વર્તમાન નામમાં ફેરફાર કર્યા સિવાય તે નામની પાછળ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ સૌજન્ય ધી મહેસાણા નાગરિક સહકારી બેન્ક લિ. કરવું. આ રીતે સુધારો કરવા નગરપાલિકા આગામી 25મીએ મળનારી સામાન્ય સભામાં એજન્ડામાં કામ લઈને નિર્ણય કરશે.

આગામી સામાન્ય સભામાં એજન્ડામાં કુલ 50 કામ લેવામાં આવ્યા છે. જેમાં બાંધકામના 22, ભૂગર્ભ ગટરના 4, સ્ટ્રીટલાઇટના 6, વોટર વર્કસના 3, વેરા શાખાના 3, સેનેટરી, મહેકમ, ઓએસ શાખાના ત્રણ-ત્રણ કામ, હિસાબી અને યુસીડી શાખાનું એક-એક કામ સહિત વિવિધ કામોને આવરી લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...