• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Now Ambaji Can Be Reached By Rail Via Mehsana Via Taranga, Rs. 2798.16 Crore Project Will Be Completed By 2026 27, Length 116.65 Km

90 વર્ષે સપનું સાકાર થશે:હવે મહેસાણા વાયા તારંગા થઇ રેલમાર્ગે અંબાજી જઇ શકાશે, રૂ. 2798.16 કરોડનો પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે, લંબાઈ 116.65 કિમી

મહેસાણા/પાલનપુર/અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતના મહત્વાકાંક્ષી તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને કેન્દ્ર સરકારની મંજૂરી
  • 11 પહાડો ચીરવા પડશે નવી રેલલાઇન 8 ઓવરબ્રિજ અને 54 અંડરપાસ બનશે
  • ભક્તોની સંખ્યા વધશે શક્તિપીઠ અંબાજી અને જૈનતીર્થ તારંગાજીનું મહત્વ વધશે
  • બંને રાજ્યોના લોકોને ફાયદો કૃષિ પેદાશો અને સ્થાનિક ઉત્પાદનોનું ઝડપી પરિવહન
  • તારંગા હિલ-અંબાજી-આબુ રોડ 116 કિમી લાઈન પર 54 મોટા બ્રિજ, 151 નાના બ્રિજ પણ બનશે

ઉત્તર ગુજરાતની મહત્વાકાંક્ષી તારંગા હિલ-અંબાજી- આબુ રોડ નવી રેલવે લાઇનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જેની પાછળ રૂ.2798.16 કરોડનો ખર્ચ અંદાજાયો છે. આ લાઇન નાખવા રસ્તામાં આવતાં 11 મોટા પહાડો ચીરવા પડશે. આ પ્રોજેક્ટ પૂરો થતાં શક્તિપીઠ અંબાજી રેલવે સેવાથી જોડાઇ જશે. નવી રેલ લાઇનની કુલ લંબાઈ 116.65 કિલોમીટર હશે અને આખો પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે.

સૂચિત ડબલ રેલલાઇન ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા, રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટથી અંબાજી રેલવેથી દેશ સાથે જોડાવાની સાથે રેલવેની કનેક્ટિવિટીમાં પણ વધારો થશે, જે અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવશે, જેનાથી આ વિસ્તારનો સામાજિક આર્થિક વિકાસ વધશે.

અંબાજી અને તારંગા દેશ સાથે રેલસેવાથી જોડાશે અંબાજી હિન્દુઓનું સૌથી મોટું તીર્થસ્થળ છે, ભારતના 51 શક્તિપીઠોમાં તેની ગણના થાય છે. દર વર્ષે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખો ભક્તો રોડ માર્ગે દર્શને આવે છે. આ લાઇનના નિર્માણથી આ લાખો શ્રદ્ધાળુઓને સરળ મુસાફરીની સુવિધા મળશે. તારંગા હિલ ખાતે 24 જૈન તીર્થંકરો પૈકીના એક અજિતનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. અહીં આવતા ભક્તોને પણ કનેક્ટિવિટીનો ઘણો ફાયદો થશે.

2017-18માં રૂ.1695.72 કરોડનો અંદાજ મુકાયો હતો
ઉત્તર-પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા વર્ષ 2017-18 માં તારંગા હીલથી વાયા અંબાજી થઇ આબુ રોડ સુધી 89.38 કિલોમીટરના રેલવે ટ્રેકને પોતાના રિપોર્ટમાં આવરી લીધો હતો. આ રૂટમાં રેલવે શરૂ કરવા રૂ.1695.72 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. (સોર્સ : nwr.indianrailways.gov.in)

આ રેલલાઇનથી પ્રવાસન વિકાસ સાથે સ્થાનિકોને રોજગારી મળશે દેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ રેલ માર્ગે સીધા અંબાજી, તારંગા જઇ શકશે
આ નવી રેલ લાઇનના નિર્માણથી રાજસ્થાન અને ગુજરાત સહિત દેશભરમાંથી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ ખાતે આવતા સાધકોને વૈકલ્પિક રેલમાર્ગ ઉપલબ્ધ થશે તેમજ શક્તિપીઠ અંબાજી અને તારંગા જૈન તીર્થસ્થાનનું જોડાણ પણ થશે. વિસ્તારમાં લોકોને રોજગારી મળશે. ટ્રેનોના આગમનથી પહાડોથી ઘેરાયેલા ધાર્મિક વિસ્તારમાં નવી ઊર્જા આવશે. સ્થાનિક જનતાને સારી અને સસ્તી રેલ સુવિધા આપવા માટે આ એક મોટું પગલું છે. આ વિસ્તારમાં રોજગારીનું સર્જન થશે અને સ્થાનિકોને વિકાસની નવી તકો મળશે. આ રેલ લાઇન રોજિંદા મુસાફરો માટે ખાસ લાભદાયી બનશે. વેપાર અને સામાજિક કાર્યો માટે આવતા લોકોને સસ્તી અને સરળ રેલસેવા મળશે. દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સીધું રેલજોડાણ બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શનાબેન જરદોષનો આભાર માનું છું. - શારદાબેન પટેલ, સાંસદ મહેસાણા

દાંતાવાસીઓ સહિત સેંકડો માઇભક્તોનું સપનું સાકાર થયું
દાંતા તાલુકાનો અને અંબાજી માર્બલ ઉદ્યોગને પણ મોટો લાભ થશે.90 વર્ષ પૂર્વે દાંતાના ડુંગરોમાં રેલવે એન્જિન દોડતું હતું. તારંગાથી અંબાજી તરફ દોડતા રેલવે એન્જિનને લાઈટ રેલવે નામથી ઓળખાતી હતી. જેને અંબાજીથી આબુરોડથી દિલ્હી સુધી સાંકળવા માગતા હતા. દાંતા અને ગાયકવાડ સ્ટેટના વિવાદને લઈ લાઈટ રેલવે એન્જિન સામૈયા સુધી જ થંભી ગયું હતું.

દર્શનાર્થીને અંબાજી જવા સસ્તા ભાડામાં સારી સુવિધા મળશે
વડાપ્રધાને મહેસાણા-તારંગા થઇ અંબાજી, આબુ સુધી નવી બ્રોડગેજ લાઇન માટે રૂ. 2700 કરોડ મંજૂર કર્યા છે. ત્રણેક વર્ષ પછી આ લાઇન તૈયાર થયે મહેસાણાથી અંબાજી દર્શને જવા સારી રેલવે સગવડ અને સસ્તી ટિકિટની સુવિધા ભક્તોને મળતી થશે. આ બ્રોડગેજ લાઇનથી ઉ.ગુ.ની પ્રગતિને વધુ વેગ મળશે. - નીતિન પટેલ, ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી

ઇતિહાસ: જૂની રેલવે દાંતાના દલપુરા સુધી જતી, જંગલમાં આગ ન લાગે એટલે કામ અટકાવ્યું'તું
આઝાદી પહેલાં દરબારશાસન વખતે તારંગાથી ટ્રેન સેવા શરૂ થઇ હતી, જે શાહુપુરા, ટીંબા, સતલાસણા, ગોંડા મહેસાણા જિલ્લાના હદ પૂરી થઇ બનાસકાંઠાના રંગપુર પહોંચતી હતી. જ્યાં રેલના એન્જિન માટે પાણી લેવા કૂવા પાસે રોકાતી હતી. જે કૂવો આજે પણ મોજૂદ છે. જે બાદ ચોરાસણ, ગોરાડ થઈ દલપુરા સુધી જતી હતી. જોકે, રંગપુર પાસે આવેલા બે ડુંગર વચ્ચેથી તણખા ઝરતા આગ લાગવાના બનાવોથી નુકસાન ન જાય એટલે રેલવેનું કામ અટકાવ્યું હતું અને પાટા પાછા ઉખાડી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...