રાજ્યની તમામ નગરપાલિકાઓને મિલકત વેરામાં ઈ-નગર સોફ્ટવેર હેઠળ આવરી લેવાઇ છે. મહેસાણા નગરપાલિકાએ ઈ-નગર સોફ્ટવેરમાં મિલકતોના ડેટા અપલોડ કરી દીધા હોઇ આગામી અઠવાડિયાથી મિલ્કતદારો ઓનલાઇન વેરો ભરી શકશે. શહેરના 85 હજાર મિલકતદારોને પાલિકાના વેરાની ડિમાન્ડ તેમજ ભરેલા વેરાનો મેસેજ અને મિલકત આકારણીમાં ફેરફાર થયો હોય તો તેનો મેસેજ પણ ઈ-નગર સોફ્ટવેરના માધ્યમથી મિલકતધારકે નોંધાવેલા મોબાઈલ નંબર ઉપર મળી જશે,જેથી ધક્કો બચી જશે.
નગરપાલિકાના ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ બ્રિજેશ પટેલે કહ્યું કે, હાલ નગરપાલિકાની વેબસાઈટ લીંકથી મિલકતદારો ઓનલાઇન વેરા ભરી શકે છે. પાલિકામાં પણ વેરા સ્વીકારાય છે. હવે રાજ્ય કક્ષાએથી enagar.gujarat.gov.in વેબસાઇટ પરથી મિલકત વેરો ભરવાની સુવિધા શરૂ કરાઇ છે. ટૂંક જ સમયમાં તે ચાલુ થઇ જશે. જેમાં મિલકતદારોને વેરાના માંગણા બિલો મોકલીએ છીએ તે વેરા ડિમાન્ડના મેસેજ તેમના મોબાઈલમાં મળશે. ઓનલાઇન વેરો ભર્યો હોય તો તેનો તેમજ મિલકત આકારણીમાં ફેરફાર થયો હશે તો તેનો મેસેજ પણ મોબાઇલમાં મળી જશે. ઉપરાંત, હાલમાં પાલિકાની વેબસાઈટ પરથી પણ ઓનલાઇન વેરા ભરવાની વ્યવસ્થા ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.