કાર્યવાહી:મહેસાણામાં બી.યુ.પરવાનગી વિનાની118 હોસ્પિટલોને નોટિસ અપાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોસ્પિટલોને નવા દર્દીઓ દાખલ ન કરવા, દાખલ દર્દીઓને શિફ્ટ કરવા મહેસાણા પાલિકા દ્વારા તાકીદ કરાશે, આજથી નોટિસની કાર્યવાહી કરાશે

મહેસાણામાં ફાયર એન.ઓ.સી કે સેલ્ફ ડેક્લેરેશન મેળવેલ 120 હોસ્પિટલો પૈકી માત્ર બે હોસ્પિટલ પાસે જ બાંધકામ વપરાશ પ્રમાણપત્ર(બી.યુ) છે.જ્યારે 118 હોસ્પિટલ બી.યુ પરવાનગી વગરની હોઇ આ તમામ હોસ્પિટલને નોટિસ ફટકારાશે.નોટિસ મળ્યા બાદ સાત દિવસમાં બી.યુ. મેળવવા તજવીજ નહીં કરાય તો ઇમારત સીલ કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે. તેવા પગલા લેવાનો મંગળવારે નિર્ણય કરીને નોટિસ ઇસ્યુ કરવા તૈયાર કરી દીધી હતી,જેમાં હોસ્પિટલમાં નવા દર્દીઓ દાખલ કરવા નહી અને હાલમાં દર્દીઓ દાખલ હોય તેને અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા તજવીજ કરવા સ્પષ્ટ નોંધ નોટિસમાં સુચવાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં અત્યારસુધી ગેરકાયદેસર બાંધકામો વખતે નિદ્રાધિન રહેલી નગરપાલિકા સફાળી જાગીને એક્શન મોડમાં આવી છે.

સુત્રોએ કહ્યુ કે,હાઇકોર્ટમાં થયેલી પીઆઇએલ સંદર્ભે દિશાનિર્દેશના પગલે સરકાર દ્વારા ફાયર સેફ્ટી એન.ઓ.સી અને બી.યુ પરવાનગી ના હોય તેમને ઝડપથી લેવા સુચવાયેલુ છે.ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે, ફાયર એન.ઓ.સી લેવાપાત્ર ઇમારતોએ ફાયર સેફ્ટી સુવિધા કરીને એન.ઓ.સી મેળવવાની હોય છે.જેમાં મહેસાણા શહેરમાં 120 હોસ્પિટલો પૈકી 118 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સુવિધા છે અને તેમણે ફાયર એન.ઓ.સી કે સેલ્ફ ડીક્લેરેશન આપેલા છ.જેમાં 9 મીટરની વધુ .ચાઇ અને 500 ચો.મીટર બાંધકામની 73 હોસ્પિટલે ફાયર એન.ઓ.સી મેળવી છે જ્યારે 47 હોસ્પિટલે સેલ્ફ ડીક્લેરેશન રજુ કર્યા છે. ફાયર એન.ઓ.સી કે સેલ્ફ ડીક્લેરેશન ધરાવતી 118 હોસ્પિટલએ બાંધકામ વપરાશ પ્રમાણપત્ર રજુ કરેલ ન હોઇ આ હોસ્પિટલોને નવા પેશન્ટ દાખલ ન કરવા અને હાલમાં દાખલ પેશન્ટને અન્યત્ર શિફ્ટ કરવા નોટિસ ઇસ્યુ કરાઇ છે.7 દિવસમાં બી.યુ.પરવાનગી માટે તજવીજ નહી કરે તો ત્યારપછી ઇમારત સીલ કરી ગેરકાદેસર બાંધકામ તેમના ખર્ચ,જોખમે દૂર કરાશે.

શહેરની મોટી હોસ્પિટલો પાસે બી.યુ.પરવાનગી નથી તેમને નવા દર્દી દાખલ ન કરવા અને હયાત દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવા નોટિસની તૈયારીઓ કરાઇ છે તો દર્દીઓને ક્યા શિફ્ટ કરવા તે અંગે ચીફ ઓફીસર અલ્પેશ પટેલને પૂછતાં તેમણે કહ્યુ કે,હોસ્પિટલ તંત્રએ વિચારવાનું રહે.

મહેસાણાની બે સરકારી શાળા,એક કોલેજે ફાયર એન.ઓ.સી લીધી નથી
શહેરની મોટાભાગની શાળાઓએ ફાયરસેફ્ટી સાધનો સાથે એન.ઓ.સી કે સેલ્ફ ડીક્લેરેશન રજુ કર્યા છે.હાલમાં મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે સરકારી પ્રાથમિક શાળા નં.-3 અને હૈદરીચોક ખાતે સરકારી પ્રાથમિક શાળા નં.-1ના બિલ્ડીગમાં ફાયર સેફ્ટીની એન.ઓ.સી મેળવેલ નથી.જયારે નાગલપુર કોલેજ ખાતે ફાયર સેફ્ટી એન.ઓ.સી નથી.જોકે બે દિવસ પહેલા મુલાકાત લેતા ફાયર સિસ્ટમની તજવીજ સાથે એન.ઓ.સી માટેની પ્રક્રિયા હાથ ધરી હોઇ આગામી દિવસમાં દરખાસ્ત આવ્યે ચકાસણી કરીને એન.ઓ.સી મળવાની સંભાવના છે.

માત્ર બે હોસ્પિટલ પરવાનગી ધરાવે છે
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં ફાયર એન.ઓ.સીવાળી હોસ્પિટલો પૈકી માત્ર બે હોસ્પિટલ સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ અને વાયબ્રન્ટ હોસ્પિટલ બી.યુ. પરવાનગી ધરાવે છે,જ્યારે બાકી 118 હોસ્પિટલની બી.યુ. મંજુર વગર ઉપયોગ થતો હોઇ નોટિસનો કોરડો વિંઝાયો છે.બે હોસ્પિટલ પાસે ફાયર એન.ઓ.સી નથી તે પૈકી એક હોસ્પિટલ બંધ થઇ છે.જ્યારે મગપરા રોડ પર ર્ડા. કમલેશ ગુર્જરની હોસ્પિટલમાં ફાયર એનઓસી નથી.

સિવિલ,લાયન્સ સહિત હોસ્પિટલો બી.યુ વગરની ?
નગરપાલિકા દ્વારા શહેરમાં બી.યુ પરવાનગી માટે અરજી કરી ન હોય એવી હોસ્પિટલની સુચીમાં સિવિલ જનરલ હોસ્પિટલ, લાયન્સ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.જોકે 118 હોસ્પિટલોને બી.યુ પરવાનગી કે ઇમ્પેક્ટ ફીમાં રેગ્યુલાઇઝનો હુકમ હોય તો પાલિકા કચેરીએ રજુ કર્યે આ નોટિસ રદ કરવામાં આવશે તેવુ પણ નોટિસમાં દર્શાવાયુ છે.

માર્જીન ભંગ, પાર્કિંગમાં બાંધકામ, નકશા વિરુધ્ધ બાંધકામ
બિલ્ડીંગ યુઝ પરવાનગી નિયમ મુજબનું જ બાંધકામ કરેલુ હોય તો મળી શકે છે. પરંતુ મોટાભાગે માર્જીન ભંગ કરી પાર્કિંગમાં બાંધકામ, નકશા વિરુધ્ધ બાંધકામ, શૌચાલયની જગ્યાએ પણ બાંધકામ થઇ ગયા છે.આ સ્થિતીમાં હવે ઇમ્પેક્ટ ફીથી રેગ્યુલરાઇઝનો ફરી રાઉન્ડ આવશે કે કેમ તેને પણ ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...