શહેરમાં દર વર્ષે ચોમાસા પહેલાં નગરપાલિકા ભયજનક મકાનનો ભાગ ઉતારી લેવા કે રિપેરિગ કરાવવા નોટિસો આપ્યા પછી પણ હજુ ઘણા વિસ્તારમાં ભયજનક રહેણાંક અને કોમર્શિયલ જગ્યાની દીવાલ, સ્લેબ યથાવત જોવા મળી રહ્યા છે. આથી નગરપાલિકાએ આવી ખાનગી માલિકીની જગ્યાએ ભયજનક ઇમારતનો ભાગ ઉતરાવી લેવા જાહેર ચેતવણી આપી છે. નોટિસ પછી પણ જોખમી ભાગ દૂર નહીં કરાય તો કાર્યવાહી કરવામાં આવશે.
પાલિકાના ટીપી સૂત્રોએ કહ્યું કે, શહેરમાં ગત વર્ષે ભયજનક મકાન, ઇમારત દૂર કરવા 24 અરજી મળી હતી. જેમાં મોટાભાગે સિટી-1માં મહોલ્લા, પોળમાં વર્ષો જૂના મકાનની દીવાલ, સ્લેબ અંગેની હતી. જેના માલિકોને નોટિસો અપાઇ હતી. તે પૈકી ચારેક જગ્યાએ ભયજનક ઇમારત, દીવાલ ઉતરાવી લેવાઇ છે. કેટલીક મિલ્કતોને અગાઉ પણ બે-ત્રણ નોટિસ આપેલી છે.
જોકે, ભાડૂઆતે જગ્યા ખાલી ન કરી હોય એટલે કબજા બાબતે ભાડૂઆત અને માલિક વચ્ચે વિવાદના કિસ્સામાં ભયજનક ભાગ ઉતરાયા વગરનો રહ્યો છે. ઉપરાંત, કેટલાક મકાન માલિક બહાર રહેતા હોય, કેટલાકમાં માલિકી અંગે કોર્ટ વિવાદ હોઇ પાલિકા આવી ખાનગી માલિકીની જર્જરીત ઇમારતો, દીવાલો ઉતરાવી શકી નથી.
આ વિસ્તારમાં ભયજનક મકાનો ઊભાં છે
પિલાજીગંજ, ગાંધીની ખડકી 2, સરિયાની ખડકી, નાની વ્હોરવાડ, મહોબ્બત ફળીમાં ત્રણ, પટવાપોળ, જુના પરા ચોથી ઓળ, ટીબી રોડ ઋતુરાજ બાજુમાં હસ્તીનાપુર ફ્લેટમાં 1, બાબીવાડો 2, ગોપીનાળા બહાર મીરાં હોટલ, મણિયારી વાસ, સિદ્ધપુરી ગલીમાં, સિદ્ધપુરી બજારમાં, ઉંચો ભાટવાડો, પંખીયાવાસ, ખડોવાડો, આઝાદચોક મહારાજની ખડકી, કસ્બા દમા ઠાકરનો માઢ વગેરે વિસ્તારમાં જર્જરિત મકાનનો ભાગ ઉતરાવી લેવા કે રિપેરિંગ કરી ભયમુક્ત કરવા નગરપાલિકાએ નોટિસ આપી છે.
નોટિસ પછી ભયજનક ઇમારત નહીં ઉતારે તો ડિઝાસ્ટર એક્ટ મુજબ ગુનો નોંધાશે
મકાનનો ભયજનક ભાગ પાલિકાની નોટિસ પછી પણ નહીં ઉતારી લેવાય તો તેમની સામે નગરપાલિકા ડિઝાસ્ટર એક્ટ મુજબ પોલીસમાં ગુનો નોંધાવાશે. લોકોના હિતમાં ભયજનક ઇમારત કે દીવાલ હોય તો તે માલિકે દૂર કરવું. આ અંગે ચોમાસા પહેલાં પાલિકા જાહેર ચેતવણી પણ આપે છે. પાલિકાની નોટિસ પછી પણ જોખમી ભાગ દૂર કરાવવા ન ગાંઠતા હોય તેમની સામે ડિઝાસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. > અલ્પેશ પટેલ, ચીફ ઓફિસર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.