કાર્યવાહી:10 દુકાનોમાં ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ,એક સીલ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં માનવ આશ્રમ, જીઇબી રોડ અને ધરમ સિનેમા રોડ પર બાંધકામ મામલે પુરાવા રજૂ કરવા અલ્ટીમેટમ
  • માનવ આશ્રમ ચોકડી પાસે 5, યુજીવીસીએલ રોડ ઉપર 2 અને ગાયત્રી મંદિર,ધરમ સિનેમા રોડ પર 3 દુકાનમાલિકોને નોટિસ

મહેસાણા શહેરમાં માનવ આશ્રમ ચોકડી ઇમરજન્સી 108ની ઓફિસની બાજુમાં પતરાનાં શેડવાળી પાંચ દુકાનો, યુજીવીસીએલ રોડ પર કે.કે. વિદ્યાલયની બાજુમાં બે દુકાનો તેમજ ગાયત્રી મંદિર, ધરમ સિનેમા રોડ પર ત્રણ દુકાનોમાં ગેરકાયદે બાંધકામ થયેલાનું ધ્યાને આવતાં નગરપાલિકા ટીપી ચેરમેનની સૂચનાના પગલે આ દુકાનદારોને 7 દિવસમાં બાંધકામના આધાર પુરાવા રજૂ કરવા નોટિસો ફટકારાઇ હતી. આમ છતાં કોઈ આધાર પુરાવા હજુ પાલિકાને મળ્યા ન હોઇ આવા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરાશે તેમ ટીપી ચેરમેન કનુભાઈ પટેલે જણાવ્યું હતું.

જ્યારે મોઢેરા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં બનેલ લકીપાર્કમાં નગરપાલિકાએ રહેણાંક બાંધકામની પરવાનગી આપી હોવા છતાં કોમર્શિયલ ઉપયોગ થતો હોઇ બુધવારે મોડી સાંજે ધ ફાસ્ટર સાયકલ શો રૂમ સીલ કરી દેવામાં આવ્યો હતો.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કનુભાઈ પટેલે જણાવ્યું કે, શહેરમાં ગેરકાયદે બાંધકામો બાબતે દિવાળી પછી એક્શન લેવાશે. લકીપાર્કમાં પણ રહેણાંકની જગ્યાએ જે કોમર્શિયલ બાંધકામ થયાં હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

બાંધકામનો હેતુફેર કરાયો છે કે નહીં તેની ખરાઈ કરાશે અને ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ આપવામાં સૂરુ નગરપાલિકા તંત્ર ગેરકાયદે બાંધકામો થતાં અટકાવવામાં અને દૂર કરવામાં ઉદાસીન રહ્યું છે.

લકીપાર્કમાં કોમર્શિયલ ઉપયોગ મામલે સાયકલનો શો રૂમ સીલ કરાયો
મોઢેરા રોડ પર લકીપાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં નગરપાલિકાએ બાંધકામની પરવાનગી આપેલી હતી, તે જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ થતો હોઇ શો રૂમ માલિકને અગાઉ નોટિસ પાઠવી હતી. પરંતુ ઉપયોગ ચાલુ રખાતાં નગરપાલિકાની ટીમ દ્વારા બુધવારે આ શો રૂમનું બિલ્ડીંગ સીલ કરી દેવાયું હતું .નગરપાલિકાના શાખા અધિકારીએ ટીમ સાથે સ્થળ પર પહોંચી શોરૂમના સંચાલક સાથે પરામર્શ કર્યા બાદ સીલ કરાયું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, રહેણાંક માટે બાંધકામ પરવાનગી આપેલી હતી, તેનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. આ અંગે નોટિસ આપેલી છે. કાયદાનું ઉલ્લંઘન થતું હોઇ આજે જગ્યાને સીલ કરાઇ છે. બે માળના બિલ્ડિંગમાં પહેલા માળે કામદારો રહેતા હોઇ રહેણાંક હેતુ માટે તેમને આવવા-જવા પાછળનો દરવાજો ખૂલ્લો રાખવા છૂટછાટ અપાઇ છે. કોમર્શિયલ ઉપયોગ નહીં કરવા સંચાલકને જણાવાયું હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...