ઠંડી વધશે:ઉત્તર ગુજરાતમાં આજથી પડશે દાંત કકડાવતી ઠંડી, આગામી 3 દિવસમાં ઠંડીનો પારો ઘટીને 9 ડિગ્રી થઇ જશે

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં ફૂવારા પાસે આવેલા ગણપતિ દાદાના મંદિરમાં ભગવાને ઠંડીમાં રક્ષણ મળે તે માટે ગરમ શાલ ઓઢાડીને સગડી પ્રગટાવાઇ હતી. - Divya Bhaskar
મહેસાણામાં ફૂવારા પાસે આવેલા ગણપતિ દાદાના મંદિરમાં ભગવાને ઠંડીમાં રક્ષણ મળે તે માટે ગરમ શાલ ઓઢાડીને સગડી પ્રગટાવાઇ હતી.
  • ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હીમવર્ષા સાથે ઉત્તર-પૂર્વિય પવન રાજસ્થાન થઇને ઉ.ગુ.માં આવતાં ઠંડી વધશે
  • મહેસાણામાં બુધવારે 13.3, પાટણમાં 12.8, ડીસામાં 12.5, ઇડરમાં 12.5 અને મોડાસામાં 15.2 ડિગ્રી ઠંડી નોંધાઇ

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હીમવર્ષા અને વરસાદની પ્રબળ શક્યતા બની છે. હાલ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર- પૂર્વની રહે છે. એટલે કે, આ પવન ઉત્તર ભારતના પહાડી વિસ્તારો તરફથી રાજસ્થાન થઇને ગુજરાત તરફ આવી રહ્યા છે. હીમવર્ષા થતાં આ પવન વધુ ઠંડા થશે.

જેને લઇ આગામી 2 દિવસ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શીતલહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વિય ઠંડા પવન ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થતાં ગુરૂવારથી દાંત કકડાવતી ઠંડીની શરૂઆત થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 2 થી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી નીચું આવશે. એટલે કે, ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 9-10 ડિગ્રીની આસપાસ પહોંચવાની પ્રબળ શક્યતા છે.

તાપમાન વધ્યું છતાં પવનના કારણે ઠંડીનું જોર યથાવત
ઉત્તર ગુજરાતમાં બુધવારે લઘુત્તમ તાપમાન અડધાથી લઇ 1 ડિગ્રી સુધી ઉંચકાયું હતું. તાપમાનમાં આવેલા વધારાના કારણે મહેસાણામાં 13.3 ડિગ્રી, પાટણમાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.5 ડિગ્રી, ઇડરમાં 12.5 ડિગ્રી અને મોડાસામાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, પ્રતિ કલાકે સરેરાશ 7 થી 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે તાપમાન વધવા છતાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.

માઉન્ટ આબુમાં ઠંડીનો પારો 2 ડિગ્રીએ અટક્યો
માઉન્ટ આબુમાં ફરી એકવાર હવામાનમાં આવેલા પલટાને કારણે કડકડતી ઠંડીમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં 2-2 ડિગ્રીનો ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રીએ પહોંચ્યું હતું. નોંધાયેલ મહત્તમ તાપમાન 20 ડીગ્રી રહ્યું છે. તાપમાનનો પારો ગગડવાના કારણે સવારના સમયે સર્વત્ર ઝાકળ જોવા મળી હતી અને રાત્રિ દરમિયાન તેમજ દિવસ દરમિયાન ઠંડીનું મોજું જોવા મળ્યું હતું. માઉન્ટ આબુના મેદાનોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. દિવસ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ ઝાંખો થતો ગયો. ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડીમાં વધારો થયો છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે બોનફાયર પ્રગટાવતા જોવા મળ્યા હતા. જેના કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...