રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ઉત્તર ગોળાર્ધની વસંત દરમિયાન લા નીના નબળું પડવાની શક્યતા છે. વેધર એક્સપર્ટના મતે, ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સિઝનમાં રેકોર્ડબ્રેક કરે તેવી ગરમીની શક્યતા ના બરાબર બની રહી છે. ઉનાળુ સિઝનમાં ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે. આ 6 રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ 41 થી 43 ડિગ્રીની વચ્ચે રહે તેવી શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં ત્રીજા, એપ્રિલ મહિનામાં પ્રથમ અને ચોથા તેમજ મે મહિનામાં પ્રથમ, બીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનો અનુભવ વધુ રહેશે. એમાં પણ હીટવેવ સાથે સિઝનની સૌથી વધુ ગરમીનો સામનો મે મહિનાના પ્રથમ અને ચોથા સપ્તાહમાં કરવો પડી શકે છે. બીજી બાજુ આ વખતની સિઝનમાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જેના કારણે રાત્રીનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાના કારણે ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.
આ દરમિયાન ચારેક વખત વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેમાં એપ્રિલ મહિનાના બીજા તેમજ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં એમ 2 વખત કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. કમોસમી વરસાદનું જોર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સાથે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ રહી શકે છે.
35.8 ડિગ્રી સાથે ઇડર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનું પ્રમાણ દોઢ ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 17.3 થી 19 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જ્યારે ગરમીમાં સામાન્ય થી 1 ડિગ્રી સુધીની વધ-ઘટ રહી હતી. તેમ છતાં ગરમીનો પારો 34 ડિગ્રીની પાર રહ્યો હતો. જેમાં 35.8 ડિગ્રી સાથે ઇડર ઉ.ગુ.નું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગ મુજબ, આગામી 3 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે.
ઉત્તરગુજરાતનું તાપમાન | ||
શહેર | રાત્રે | દિવસે |
મહેસાણા | 17.3 | 34.7 |
પાટણ | 18 | 34.9 |
ડીસા | 18.2 | 34.2 |
ઇડર | 19 | 35.8 |
મોડાસા | 18.9 | 35.6 |
એપ્રિલના બીજા અને મેના ત્રીજા સપ્તાહમાં કમોસમી વરસાદની શક્યતા
માર્ચ ધીમે ધીમે ગરમી વધશે
પ્રથમ સપ્તાહ : દિવસે ગરમી અને રાત્રી ઠંડી બેવડી ઋતુ અનુભવાય. પવનની ગતિમાં વધારા સાથે દિવસનું તાપમાન ધીમે ધીમે વધી શકે.
બીજું સપ્તાહ : આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે. દિવસ-રાતના તાપમાન ધીમે ધીમે વધવાનું ચાલુ રહે.
ત્રીજું સપ્તાહ : ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા.
ચોથું સપ્તાહ : રાત્રીના તાપમાનમાં ઉતાર-ચડાવ વચ્ચે ગરમી વધી શકે.
એપ્રિલ માવઠાની સંભાવના
પ્રથમ સપ્તાહ : ગરમીમાં વધારો થવાની શક્યતા.
બીજું સપ્તાહ : વાતાવરણમાં પલટો આવતાં માવઠાંની સ્થિતિ સર્જાઇ શકે.
ત્રીજું સપ્તાહ : એક-બે દિવસ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. તેમજ ગરમીનું પ્રમાણ વધે
ચોથું સપ્તાહ : એપ્રિલ મહિનાની સૌથી વધુ ગરમી નોંધાય તેવી શક્યતા.
મે હીટવેવની શક્યતા
પ્રથમ અને બીજું સપ્તાહ : ગરમીનું પ્રમાણ વધી શકે. સાથે પવન ફૂંકાવાના કારણે હીટવેવની અસર જોવા મળી શકે.
ત્રીજું સપ્તાહ : વાતાવરણમાં પલટા સાથે માવઠાંની શક્યતા રહેશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઇ શકે છે.
ચોથું સપ્તાહ : સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઇ શકે છે. દિવસનું તાપમાન 42 થી 43 ડિગ્રીની આસપાસ પહોંચવાની સાથે હીટવેવની શક્યતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.