નિર્ણય:મહેસાણા શહેરમાં મંદિરો આસપાસ નોનવેજની લારીઓ હટાવાશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મહેસાણા પાલિકા દ્વારા ધાર્મિક સ્થળોના 200 મીટરમાં ઊભી રહેતી નોનવેજની લારીઓનો 2 દિવસમાં સર્વે પૂરો કરાશે
  • ​​​​​​​8 વોર્ડ ઇન્સપેક્ટરોને સર્વેની સૂચના, નોનવેજની લારી વૈકલ્પિક જગ્યાએ નહીં ખસેડે તો નગરપાલિકા હટાવશે

રાજ્યમાં રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે અને શહેરના જાહેર માર્ગો, સ્કૂલ-કોલેજો, ધાર્મિક સ્થળો, ગાર્ડન સહિતની જગ્યાઓ પર ઊભી રહેતી ઇંડાં અને નોનવેજની લારીઓ હટાવવા ઝુંબેશ શરૂ કરાઇ છે. બીજી બાજુ, રાજ્યના મુખ્યમંત્રીએ પણ ટ્રાફિકને અડચણરૂપ હોય તે લારીઓ હટાવાશે તેવા નિર્દેશ આપ્યા છે. જેને પગલે નાનાં શહેરોએ પણ આ દિશામાં પગલાં લેવા તૈયારી હાથ ધરી છે.

મહેસાણા શહેરમાં પણ મંદિરો, દેવસ્થાનોના 200 મીટર ત્રિજ્યામાં નોનવેજની લારીઓ હટાવવાના ભાગરૂપે સોમવારે નગરપાલિકાએ આવી કેટલી લારીઓ છે તેનો બે દિવસમાં સર્વે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે બેઠક બાદ વોર્ડ ઇન્સપેક્ટરોને બે દિવસમાં સર્વે રિપોર્ટ આપવા ચીફ ઓફિસરે સૂચના આપી હતી. ઉલ્લેખનિય છે કે, સર્વેમાં આવતી નોનવેજની લારીઓને વૈકલ્પિક જગ્યાએ ખસેડવાની સૂચના પરામર્શના અંતે પાલિકા આપી શકે છે તેવી ગતિવિધિ નગરપાલિકાએ હાથ ધરી છે. જોકે, આખરી નિર્ણય સર્વે પછી થશે.

નગરપાલિકામાં કારોબારી ચેરમેન સહિત કેટલાક સદસ્યો, ચીફ ઓફિસર વગેરે વચ્ચે જૈન, હિન્દુ મંદિરો વગેરે ધાર્મિક સ્થળો આસપાસ નોનવેજની લારીઓ, સ્ટોલનો સર્વે કરાવવા પરામર્શ કરાયો છે. જેમાં વિચારણાના અંતે સેનેટરી ઇન્સપેક્ટર મારફતે તમામ 8 વોર્ડ ઇન્સપેક્ટરોને બે દિવસમાં શહેરના વિવિધ રસ્તાઓમાં ધાર્મિક સ્થળોના 200 મીટરમાં ઉભી રહેતી નોનવેજની લારીઓની યાદી બનાવી રિપોર્ટ આપવા સૂચના અપાઇ છે.

ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, હાલમાં ધાર્મિક સ્થળોના 200 મીટરના એરિયામાં કેટલી નોનવેજની લારીઓ છે તેનો બે દિવસમાં સર્વે કરવા સૂચના આપી છે. ત્યાર પછી તેમને નજીકની વૈકલ્પિક જગ્યાએ જવા સુચવાશે. આ અંગે સર્વે થઇ આવ્યા પછી પરામર્શના અંતે નિર્ણય કરીશું.

સર્વે પછી બેઠકમાં આગળની કાર્યવાહી કરીશું
રાજ્ય લેવલથી આ નિર્ણય લેવાયો છે. હાલ શહેરમાં ધાર્મિક સ્થળો આજુબાજુના 200 મીટરમાં નોનવેજ લારીઓનો સર્વે કરી વોર્ડ ઇન્સપેક્ટરો યાદી આપશે. પછી અધિકારી અન્યત્ર જવા મૌખિક સૂચના આપશે. આમ છતાં, લારીઓ નહીં હટાવે તો અધિકારી નિયમોનુસાર કાર્યવાહી કરશે. આ અંગે સર્વે પછી બેઠકમાં પરામર્શના અંતે આગળની કાર્યવાહી કરીશું.> કૌશિકભાઇ વ્યાસ, ચેરમેન કારોબારી સમિતિ

અન્ય સમાચારો પણ છે...