સાવધાન... હવે આ રીતે પણ લૂંટાઈ શકો છો:ના OTP કે ના કોઈ લિંક, ભેજાબાજોએ અજમાવ્યો નવો નુસખો, બિલ્ડરના ખાતામાંથી 30 મિનિટમાં 37 લાખ ગાયબ

મહેસાણાએક મહિનો પહેલા

આજકાલ ઓનલાઇન છેતરપિંડીની ઘણી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તાજેતરમાં જ ઓનલાઇન શોપિંગના ચક્કરમાં નવસારીના CAએ 23 લાખ ગુમાવ્યાની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે લાલચમાં આવી OTP કે કોઇ લિંક પર ક્લિક કરતા લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. જોકે આજે મહેસાણામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેથી સૌકોઇ ગોથે ચડી ગયા છે. મહેસાણાના બિલ્ડરે ના કોઈ OTP આપ્યો હતો કે ના કોઇ લિંક પર ક્લિક કર્યું હતું છતાં ગઠિયાઓએ માત્ર 30 મિનિટમાં બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા, જેથી બિલ્ડરે તાત્કાલિક બેંકનું ખાતું બંધ કરાવી મહેસાણા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

માત્ર અડધા કલાકમાં ગઠિયાઓ કળા કરી ગયા.
માત્ર અડધા કલાકમાં ગઠિયાઓ કળા કરી ગયા.

ત્રણ વખત પૈસા ડેબિટ થયા
મહેસાણા શહેરમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા દુષ્યંતભાઈ પટેલ 21 તારીખે પોતાની ઓફિસે હાજર હતા. એ દરમિયાન બપોરના સમયે 3.19 વાગ્યે તેમના ફોન પર રૂપિયા 10 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ તરત જ 3.20 વાગ્યે બીજા 10 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતાં બિલ્ડર ચોકી ઊઠ્યા હતા અને તેઓ તાત્કાલિક પાચોટ નજીક આવેલી ICICI બેંકમાં પહોંચ્યા હતા, જ્યાં જઇ પોતાનું ખાતું બંધ કરવાની પ્રોસેસ કરી રહ્યા હતા, એ દરમિયાન ફરી 3.49 કલાકે 17 લાખ રૂપિયા ડેબિટ થયાનો ત્રીજો મેસેજ પડતાં બેંકવાળા પણ ચોંકી ઊઠ્યા હતા.

છેતરપિંડીનો ભોગ બનનાર બિલ્ડર દુષ્યંત પટેલ.
છેતરપિંડીનો ભોગ બનનાર બિલ્ડર દુષ્યંત પટેલ.

બિલ્ડરે પોતાનું ખાતું બંધ કરાવ્યું
આ સમગ્ર મામલે સ્થાનિક બેંકને જાણ કરવામાં આવતાં બેંક કર્મચારીઓએ વેપારીને જણાવ્યું કે તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. બિલ્ડરે બેંકની ઓનલાઈન એપ્લિકેશનમાં પોતાનું યુઝર આઈડી પાસવર્ડ નાખતાં એપ્લિકેશન પણ ખૂલી નહોતી, જેથી બિલ્ડરે પોતાનું ખાતું બંધ કરાવી દીધું હતું.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

બે ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કર્યા
આ સમગ્ર મામલે બેંક દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખસોએ બિલ્ડરના ખાતામાંથી કુલ 37 લાખ રૂપિયા અન્ય બે ખાતાંમાં ટ્રાન્સફર કરાયા છે. એમાં 10 લાખ રૂપિયા ICICI બેંકના ખાતા નંબર- 161205501051માં અને 092805001870 ખાતા નંબરમાં 27 લાખ રૂપિયા બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખસોએ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

નવસારીના કિસ્સાએ બધાને વિચારતા કર્યા હતા
બે અઠવાડિયાં પહેલાં નવસારીમાંથી સામે આવેલા છેતરપિંડીના કિસ્સાએ બધાને વિચારતા કરી દીધા હતા, જેમાં ભેજાબાજે બીજા કોઈને નહીં, પણ CAને 23 લાખનો ચૂનો ચોપડ્યો હતો. એમાં નવાઇની વાત એ હતી કે CAએ 700 રૂપિયામાં ઓનલાઇન બૂટ મગાવ્યા હતા, જેમાં તેને iphone 12 pro max ઇનામમાં લાગ્યો એવી લોભામણી લાલચ આપીને ભેજાબાજે ટુકડેટુકડે 23 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે છેલ્લે પણ CAને કંઇ ન મળતાં માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો હતો. અંતે, પોલીસ સમક્ષ છેલ્લા 6 મહિનામાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...