ગુજકોમાસોલની ચૂંટણીમાં મહેસાણા બેઠક પર ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પહેલા મેન્ડેટમાં પ્રદેશ કક્ષાએથી વિસનગરના અંકિત પટેલનું ઉમેદવાર તરીકે નામ ચાલ્યા બાદ છેલ્લી ઘડીએ પાર્ટી દ્વારા કડીના વિનોદ પટેલને મેન્ડેટ અપાતાં બાકીના બે ફોર્મ પરત ખેંચાયાં છે. બીજી તરફ, કોંગ્રેસની જેમ ભાજપમાં પણ છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલાતાં કાર્યકરોમાં છુપી નારાજગી જણાઈ રહી છે.
ગુજકોમાસોલના 32 ડિરેકટરોની ચૂંટણી જાહેર થતાં મહેસાણા જિલ્લામાંથી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલ, વિસનગર તા.પં.ના કારોબારી ચેરમેન અંકિત પટેલ અને સોમાભાઈ પટેલ એમ ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. જેમાં પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે પ્રદેશ કક્ષાએથી બે દિવસ પૂર્વે જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલને વિસનગરના અંકિત પટેલનું નામ ટેલિફોનિક અપાયું હતું.
ત્યાર બાદ છેલ્લી ઘડીએ કડી વિસ્તારના અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રીના અંગત મનાતા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઇ પટેલના નામનો મેન્ડેટ આવતાં ખાસ કરીને વિસનગર પંથકના ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં છુપો રોષ જણાઈ રહ્યો છે. જેની અસર હોય તેમ બુધવારે વિસનગરમાં વિસ્તારકોની મિટિંગમાં પણ તાલુકા ભાજપ પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં ગેરહાજર રહ્યા હોવાની ચર્ચા ઊઠી છે. બીજી તરફ વિનોદ પટેલને મેન્ડેટ મળતાં હજુ પણ પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનો સંગઠનમાં દબદબો હોવાની વાતો વહેતી થઈ છે.
કડીના વિનોદભાઇ પટેલ ગુજકો માસોલના ડિરેક્ટરપદે બિનહરીફ
ગુજકોમાસોલની 32 સભ્યોની ચૂંટણી જંગમાં મહેસાણા બેઠક પરથી કડીના સહકારી અગ્રણી વિનોદભાઇ પટેલની બિનહરીફ વરણી થતાં સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. મહેસાણા બેઠક પર ત્રણ ઉમેદવારો હતા. જોકે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મહામંત્રી રજની પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન અને કડીના અગ્રણી વિનોદભાઈ પટેલ પર પસંદગી ઉતારતાં પક્ષના આખરી નિર્ણયને પગલે બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે અન્ય એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં વિનોદ પટેલ બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા માટે ગયો હતો
સોમવારે સાંજે જિલ્લા ભાજપ પ્રમુખનો મારી ઉપર ફોન આવ્યો હતો અને પાર્ટીએ મારું નામ સૂચવ્યું હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સોશિયલ મીડિયામાં પ્રદેશ પ્રમુખની સહીવાળો અન્યનું નામ જાહેર કરતો પત્ર ફરતો થતાં હું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ અને પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા ગયો હતો. પરંતુ બંનેની વ્યસ્તતાને કારણે હું રજૂઆત ન કરી શકતાં પાર્ટી લાઇનને લઇ મેં મારું ફોર્મ પરત ખેંચી લીધું હતું.> અંકિત પટેલ, ગુજકો માસોલની ચૂંટણીમાં ઉમેદવાર
વિસનગરનું નાક કાપ્યું : તાલુકા BJP પ્રમુખ
પરમ દિવસે બપોરે અંકિતભાઈને મેન્ડેટ આપ્યો અને મંગળવારે સવારે 10 વાગે મેન્ડેટ બદલ્યો. સોમવારે બધા ઉમેદવારોનું જે પહેલાં લિસ્ટ હતું એમાં અંકિતભાઈનું નામ હતું. જ્યારે મંગળવારે વ્યક્તિગત મેન્ડેટ આપ્યો તેમાં વિનોદભાઈનું નામ હતું. વિસનગરને પહેલા મેન્ડેટ ના આપ્યો હોત તો કોઈ વાંધો નહોતો, પરંતુ મેન્ડેટ આપ્યા બાદ જે કર્યું તે ખોટું જ કર્યું છે અને વિસનગરનું નાક કાપ્યું છે. અંકિતભાઈ વિસનગર વિસ્તારના ઉમેદવાર હોઇ વિસનગરની આબરૂ લીધી છે.> સતિષ પટેલ, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ
પ્રદેશમાંથી પહેલાં વાત થઇ હતી : જિલ્લા પ્રમુખ
પ્રદેશમાંથી પહેલા ટેલિફોનિક વાત થઈ હતી કે આવું ગોઠવાય છે. પછી સત્તાવાર મેન્ડેટ અમને જે આપ્યો પાછળથી તે અમે જાહેર કર્યો, પ્રદેશ માંથી છે એટલે તમે પ્રદેશમાં ચર્ચા કરી લો.> જશુ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.