મહેસાણા શહેરમાં માનવ આશ્રમથી એન.જી. સ્કૂલ અને માનવ આશ્રમથી સાંઇબાબા મંદિર સુધીનો રસ્તો વરસાદમાં ધોવાઇ ગયો હતો. માર્ગ અને મકાન વિભાગે આખોય રસ્તા રિપેર કરવાના બદલે માત્ર એક પટ્ટામાં જ રીસરફેસ કરી કામગીરી આટોપી લીધું હતું. જેના બે મહિના પછી પણ બાકીના ભાગમાં રીસરફેસ નહીં કરાતાં વાહન ચાલકો ભંગાર રસ્તાથી હેરાન થઇ રહ્યા છે.
એન.જી. સ્કૂલથી માનવ આશ્રમ થઇ ગાંધીનગર લીંક રોડ, સાંઇબાબા મંદિર સુધીના ચોમાસામાં ધોવાઇ ગયેલા રોડની મરામતમાં તંત્રએ અધૂરી કામગીરી કરી વેઠ વાળી છે. બે મહિના પહેલાં આ રોડ ઉપર એક પટ્ટામાં પેવરકામ કરાયું હતું. જ્યારે બીજો પટ્ટો એમને એમ રહેવા દેવાયો છે. જેના કારણે આખોય રસ્તો લેવલિંગ વગરનો થયો છે. બીજી તરફ કપચી ખરી રહી છે.
આવામાં ટુવ્હીલર ચાલકોને સ્લીપ ખાઇ જવાનો ભય રહે છે. જ્યારે નાના-મોટા બધા વાહનો રીસરફેસ કરાયેલા પટ્ટાવાળા રોડ ઉપર વાહન હંકારતા હોઇ તે તરફ વાહનોના ધસારાના કારણે અકસ્માતનું જોખમ મંડરાઇ રહ્યું છે. આમ છતાં, માર્ગ અને મકાન વિભાગને હજુ સુધી અધૂરી કામગીરી પૂરી કરવાનું સૂઝતું નથી.
માનવ આશ્રમ વિસ્તાર વિકાસ સમિતિના અશ્વિનભાઇ ચૌધરીએ કહ્યું કે, એનજીથી વાયા માનવ આશ્રમ થઇ સાંઇબાબા મંદિર સુધીના રસ્તામાં પેવર કામ અધૂરું છે. બે-ત્રણ મહિના થયા પણ બીજા પટ્ટાને રીસરફેસ કરાયો નથી.
જેના કારણે પેવરવાળા રસ્તામાં જ બધા વાહનોની આવનજાવનના કારણે અકસ્માતનો ભય રહે છે. પેવર અને પેવર વગરના પટ્ટા વચ્ચે બેથી ત્રણ ઇંચ ગેપ હોઇ ટુવ્હીલર સ્લીપ ખાઇ જવાના બનાવ પણ બને છે. આસપાસ 50 થી વધુ સોસાયટીઓ છે, ત્યારે રસ્તાના આ અધૂરા કામને પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.