કામગીરી:જમીન-જાગીર અને ગાડીઓવાળા 216 જણનાં NFSA કાર્ડ રદ કરાયાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વેમાં ઊંઝામાં 154, વિજાપુર 35, વિસનગર 25 અને કડીમાં 2 લાભાર્થી મળ્યા
  • જિલ્લા પુરવઠા કચેરી દ્વારા આરટીઓમાં લાભાર્થીઓના વાહન બાબતે ક્રોસ તપાસ

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ગરીબ પરિવારોને સરકાર દ્વારા મફત અનાજનું વિતરણ કરાય છે. આ એનએફએસએ યોજનાનો લાભ મળવાપાત્ર ન હોવા છતાં જમીન જાગીરદાર અને ફોર વ્હીલર ગાડી ધરાવતા ઘણા લોકો લાભાર્થી બની ગરીબોને મળવાપાત્ર અનાજ ઓહિયા કરી જતા હોવાનું સર્વેમાં ધ્યાને આવતાં પુરવઠા વિભાગે ઊંઝા તાલુકાના 154, વિજાપુરના 35, વિસનગરના 25 અને કડી તાલુકાના 2 મળી 216 લાભાર્થીને એનએફએસએમાંથી રદ કરી દેવાયા છે. આ સર્ચ હજુ દરેક તાલુકામાં ચાલું છે.

વર્ષ 2013થી એનએફએસએ કાયદો અમલમાં આવતાં ગરીબ લાભાર્થીઓની અરજીઓ પૈકી મળવાપાત્ર લાભાર્થીને કાર્ડ કાઢી આપી પુરવઠો અપાય છે. જેનો લાભ ઘણા ગાડીઓવાળા પણ લઇ રહ્યાની ફરિયાદ ઉઠી હતી. જિલ્લા પુરવઠા અધિકારી કૃપાલી મિસ્ત્રી દ્વારા આરટીઓ પાસેથી વાહનો ધરાવતાં માલિકોની યાદી માગવામાં આવી છે. આ દરમિયાન દરેક તાલુકામાં મામલતદારો દ્વારા પાત્રતા ન ધરાવતા કાર્ડધારકોને શોધવાનું અભિયાન શરૂ કરાયું છે.

કોઇ અરજદારે એનએફએસએમાંથી કમી કરવા અરજી ન કરી હોય પરંતુ નાયબ મામલતદાર કે મામલતદારને મળેલી માહિતી મુજબ જેમને એનએફએસએમાં રાખવાપાત્ર ન હોય તેમની સામે સુઓમોટોની સત્તાનો ઉપયોગ કરી મામલતદાર દ્વારા આવા લાભાર્થીઓને એનએફએસએમાંથી સીધા રદ કરાઇ રહ્યા છે.

સુઓમોટોથી રદ કાર્ડ પૈકી 80 ટકા ફોરવ્હીલર ધરાવે છે
4 તાલુકાના મામલતદારોની ટીમ દ્વારા શંકાસ્પદ લાભાર્થીઓનો સર્વે કરાતાં 216 એવા લાભાર્થી નીકળ્યા કે તેમને એનએફએસએનો લાભ મળવાપાત્ર જ નથી. આ 216 પૈકી 80 ટકા લાભાર્થી પાસે ફોરવ્હીલર છે. કેટલાક જમીન જાગીર ધરાવે છે. આવા લાભાર્થીના એનએફએસએ કાર્ડ ડિલિટ કરી દેવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...