મહેસાણામાં મોઢેરા અંડરપાસને લઇ ભૂગર્ભ ગટરનું ક્રોસિંગ બંધ થતાં ઉલ્ટા ઢાળમાં મોઢેરા ચોકડીથી બીકે ચોક તરફ પમ્પિંગ કરી ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ થઇ રહ્યો છે. જેના કારણે ગટરલાઇન ચોકઅપ થઇ ઉભરાવાની શક્યતા વધુ રહેતી હોઇ હવે સીધા ઢાળમાં ભૂગર્ભ ગટરના પાણીના નિકાલ માટે મોઢેરા ચોકડીથી બીકે સિનેમા ચોક સુધી રૂ.38.46 લાખના ખર્ચે નવી ભૂગર્ભ ગટર લાઇન નાંખવાનું પાલિકા દ્વારા આયોજન કરાયું છે.
મહેસાણા-2માં મોઢેરા અંડરપાસ બનતાં મોઢેરા ચાર રસ્તાથી બીકે સિનેમા ચોક સુધી નવી ભૂગર્ભ ગટર લાઇન નાંખવા શાસક પક્ષના નેતા કિર્તીભાઇ પટેલે પાલિકામાં દરખાસ્ત કરી છે. બાંધકામ શાખાના સૂત્રોએ કહ્યું કે, જ્યારે અંડરપાસ નહોતો ત્યારે બીકે ચોકથી મોઢેરા ચોકડી લાઇનમાં ક્રોસિંગ આપી જોડાણ કરાયું હતું અને સીધા ઢાળમાં ગટરના પાણીનો નિકાલ થતો હતો. હવે અંડરપાસ બનતાં ક્રોસિંગ પોઇન્ટનું જોડાણ બંધ થતાં ઉલ્ટા ઢાળમાં મોઢેરા ચોકડીથી બીકે તરફ પમ્પિંગ કરી ગટરના પાણીનો નિકાલ થઇ રહ્યો છે.
નગરસેવક કિર્તીભાઇ પટેલે કહ્યું કે, વીરનગર, શારદા સોસાયટી સહિત દશેક સોસાયટીનું પાણી મોઢેરા ચોકડી તરફ જતું હતું. આ પાણી અંબિકાનગર પમ્પિંગમાં જાય તે માટે નવી બીકે ચોકડીથી ડ્રેનેજ લાઇન નાંખી મોઢેરા ચોકડી જોડાણ આપવું જરૂરી છે. અગાઉ લાઇન ચોકઅપ પણ થયેલી છે. એટલે બીકે ચોક સાઇડ નવી લાઇન નાંખવાનું કામ મૂકાયું છે, જે 25મીની સભામાં નિર્ણય લેવાશે.
સાંઇબાબા રોડની 6 સોસાયટી સુધી પ્રથમવાર ગટર નખાશે
સાંઇબાબા રોડ પરની ઋષિનગર, શિવમ, નારાયણ સિટી, ઇસ્કોન રેસીડેન્સી, પેશ્વાનગર, ગણેશ હોમ્સ સહિતના વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું નેટવર્ક ન હોવાથી ઇસ્કોન રેસીડેન્સીથી સાંઇબાબા મંદિર સુધી ભૂગર્ભ ગટરની મેઇન લાઇન અંદાજે રૂ. 42.37 લાખના ખર્ચે નાંખવા કોર્પોરેટર કનુભાઇ પટેલે પાલિકામાં દરખાસ્ત કરી છે. તેમણે કહ્યું કે, હાલ આ સોસાયટીઓ શોષકૂવામાં ગંદા પાણીનો નિકાલ કરી રહી છે. પહેલા સોસાયટીઓ સુધી મેઇન લાઇન નાંખવાનું આયોજન કરાયું છે, પછી સોસાયટીઓમાં ઇન્ટર્નલ ભૂગર્ભ ગટર લાઇન નંખાશે. ઇસ્કોનની અંદર લાઇન નંખાયેલી છે. આ કામ સભાના એજન્ડામાં મૂકાયું છે.
ઇન્દિરાનગરથી ખારી નદી સુધી વરસાદી પાણીની લાઇન નખાશે
ઇન્દિરાનગરમાં વરસાદી પાણી નિકાલનો કોઇ વિકલ્પ ન હોઇ અને ગટરનું પાણી અવરોધાતું હોઇ ખારી નદી સુધી રૂ.11.59 લાખના ખર્ચે વરસાદી પાણી નિકાલની લાઇન નાંખવાનું કામ સભામાં લેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.