મહેસાણામાં ગઈકાલે રાત્રે મહિલા પ્રિન્સિપાલની પાડોશમાં રહેતા એક યુવકે હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે, હત્યારાએ મહિલા પ્રિન્સિપાલના પુત્ર પાસે 2 હજાર રૂપિયા ઉછીના માગ્યા હતા, જે ન આપતાં મહિલાના ઘરમાં ઘૂસી લોખંડનું પાનું માથાના ભાગે મારી હત્યા કરી હતી. આ દરમિયાન પુત્ર ઘરે આવતાં તેણે માતાને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પણ બચાવી શક્યો નહોતો. હત્યારાએ પુત્રને પણ પાનું મારતાં તે પણ ઇજાગ્રસ્ત થયો છે.
હત્યારાએ મૃતકના પુત્ર પાસે પૈસા માગ્યા હતા
મહેસાણા શહેરમાં આવેલી મોઢેરા ચોકડી નજીકના નવદીપ ફ્લેટમાં રહેતા રોનક પટેલ પાસે તેના બિલ્ડિંગમાં રહેતા હર્ષ સુથાર નામના શખસે ઉછીના 2 હજાર રૂપિયા માગ્યા હતા. રોનક પટેલે પૈસા નથી એમ કહેતાં હર્ષ સુથાર ગુસ્સે થઈને ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રોનક પટેલ સાંજે પાર્લર પર છાશ લેવા ગયો એ દરમિયાન રોનક પટેલના ઘરમાં હર્ષ સુથાર વાદરી પાનું લઇ આવ્યો હતો. રોનક પટેલની માતા જે બોદલા ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેઓ ઘરે હાજર હતા. એ દરમિયાન હર્ષ સુથારે રોનક પટેલની માતા કલ્પનાબેન પટેલના માથા પર લોખંડનું પાનું મારતાં મોત નીપજ્યું હતું.
પુત્રને માથાના ભાગે 20 ટાંકા આવ્યા
આ દરમિયાન રોનક પટેલ છાશ લઈને ઘરે પરત આવતાં ઘરમાં હર્ષ સુથારને પોતાના હાથમાં લોખંડનું લોહીવાળુ પાનું જોતા અને પોતાની માતાને લોહીલુહાણ હાલતમાં જોતાં બૂમાબૂમ કરી હતી. ત્યારે હર્ષ સુથારે રોનક પટેલના માથામાં પણ પાના વડે હુમલો કરતાં તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ અન્ય પાડોશીઓને થતાં મોટી સંખ્યમાં લોકો ભેગા થઇ ગયા હતા અને હત્યારા હર્ષ સુથારને ઝડપી લીધો હતો. ત્યાર બાદ મહેસાણા બી ડિવિઝન પોલીસ અને 108ને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ના કર્મચારીઓએ મહિલાની તપાસ કરતાં મૃત જાહેર કરી હતી. જ્યારે ઘાયલ બનેલા રોનક પટેલને સારવાર માટે લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે માથાના ભાગે 20 જેટલા ટાંકા આવ્યા હતા.
પોલીસ તપાસ જારી
ઘટનાને પગલે રાત્રે 12 વાગ્યે મહેસાણા DySP અને બી ડિવિઝન પી.આઈ સારવાર માટે ખસેડવામાં આવેલા રોનક પટેલના નિવેદન માટે લાયન્સ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ બહાર મોડી રાત સુધી લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. હાલમાં રોનક પટેલની ફરિયાદના આધારે પોલીસે હત્યારા હર્ષ સુથાર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.