યોજના:250 કરોડના ખર્ચે મહેસાણાથી વિસનગર,ધરોઇ સુધી પાઇપ લાઇન નાખી નર્મદાનું પાણી પહોંચાડાશે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંમેલનમાં નીતિનભાઇને શિવજીની પ્રતિમા ભેટ આપી. - Divya Bhaskar
સંમેલનમાં નીતિનભાઇને શિવજીની પ્રતિમા ભેટ આપી.
  • મહેસાણામાં ખેડૂત સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની જાહેરાત
  • ધરોઇનું પાણી ખેરાલુના ચિમનાબાઇ સરોવર અને સિદ્ધપુર સરસ્વતી નદીમાં છોડાશે

માર્કેટયાર્ડ ખાતે રવિવારે મહેસાણા, વિજાપુર અને વિસનગર તાલુકાના ખેડૂત સંમેલનમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે,મહેસાણા શહેરના માનવ આશ્રમ, વિસનગર લીંક રોડ પર નર્મદાનું પાણી નહોતું મળતું, ત્યારે મોઢેરાથી પાણી લીફ્ટ કરીને પાઇપલાઇન થકી પહોંચાડવા પાણી પુરવઠા બોર્ડ દ્વારા રૂ.250 કરોડ મંજૂર કર્યા છે. આ પાઇપ લાઇન નેટવર્ક મહેસાણા લીંક રોડથી વિસનગર, ધરોઇ સુધી પહોંચાડાશે. આ વિસ્તારોમાં નર્મદા પાણી આવ્યેથી હાલ વિસનગર આસપાસના ગામો ધરોઇનું પાણી લઇ રહ્યા છે, તેમને નર્મદાના પાણી મળશે અને ધરોઇમાં પાણી બચશે.

તેમણે એમ પણ કહ્યું કે, ધરોઇ ડેમની સપાટી 618 ફૂટે પહોંચી છે અને 1.11 લાખ ક્યુસેક પાણીની આવક હોઇ ખેરાલુના ચિમનાબાઇ સરોવર તેમજ પાટણ સિદ્ધપુરની સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવશે. આ વર્ષે ચોમાસામાં સારા વરસાદથી મોટાભાગનાં તળાવો ભરાયાં છે, મહેસાણા જિલ્લામાં જે તળાવો ખાલી હશે તે આજથી જ નર્મદાના પાણીથી પમ્પિંગ કરી ભરવાની સૂચના સિંચાઇ વિભાગને આપવામાં આવી છે. કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ અને જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય રમણ પટેલ અને ઋષિકેશ પટેલ, એપીએમસી ચેરમેન ખોડાભાઇ પટેલ, કલેકટર એચ.કે. પટેલ, ડીડીઓ એમ.વાય. દક્ષિણી ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનિય છે કે,માનવ આશ્રમ, લીંક રોડની સોસાયટીઓ નર્મદાના પાણી માટે વર્ષોથી માંગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...