તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Narendra Modi Always Said That Even If I Don't Have A Name, I Will Take Part In The Competition, Reminding Him Of Jogidas Khuman's Character.

PM મોદીના શિક્ષકોએ વાગોળ્યા સંસ્મરણો:નરેન્દ્ર મોદી હંમેશા કહેતા કે મારું નામ નહીં હોય તો પણ હું સ્પર્ધામાં ભાગ લઇશ, જોગીદાસ ખુમાણના પાત્ર માટે તેમને જ યાદ કરાતા

મહેસાણા17 દિવસ પહેલાલેખક: અપૂર્વ રાવલ
  • બે શિક્ષકો પ્રહલાદભાઈ પટેલ અને હીરાબેન મોદીએ નરેન્દ્ર મોદીને બાળપણમાં શિક્ષણ આપ્યું
  • નરેન્દ્ર મોદીમાં અલગ જ લાક્ષણિકતા જોવા મળતી, નવું કંઈ જાણવું હોય તો તૈયાર થઈ જાય

'શાળાનો કોઇપણ કાર્યક્રમ હોય પણ એ હંમેશાં તેમાં ભાગ લેવા તત્પર રહેતો, કંઇ ન સમજાય તો વિના સંકોચે પૂછી લેવાનું, વિચારો ન મળે તો ચર્ચા પણ કરવાની...' આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરમાં શિક્ષણ આપનાર બે શિક્ષકો પ્રહલાદભાઈ પટેલ અને હીરાબેન મોદીના. પ્રહલાદભાઈ અને હીરાબેને નરેન્દ્ર મોદીને બાળપણમાં તેમના જીવનનું ઘડતર કર્યું અને આજે જ્યારે એ વિદ્યાર્થી દેશના વડાપ્રધાન છે. ત્યારે બન્ને શિક્ષક ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. આજે શિક્ષક દિવસ નિમિત્તે તેમણે નરેન્દ્ર મોદી એક વિદ્યાર્થી તરીકે કેવા હતા અને તેમની સાથેના સંસ્મરણો દિવ્યભાસ્કર સાથે વાગોળ્યા હતા. નરેન્દ્ર મોદી હંમેશાં કહેતા કે મારું નામ નહીં હોય તો પણ હું સ્પર્ધામાં ભાગ લઇશ, જોગીદાસ ખુમાણના પાત્ર માટે હરહંમેશ તેને જ યાદ કરવામાં આવતા હતા.

મોદી બાળપણમાં પણ સમયના પાક્કા હતાઃશિક્ષિકા હીરાબેન મોદી
વડનગર ખાતે રહેતા અને પીએમ મોદીને બાળપણમાં પ્રાથમિક શિક્ષણનું જ્ઞાન આપનાર 85 વર્ષીય શિક્ષિકા હીરાબેન મૂળચંદદાસ મોદીની દિવ્ય ભાસ્કરે મુલાકાત કરી હતી. એ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી વિશેની કેટલીક રસપ્રદ વાતો અમને જણાવી હતી. પીએમ મોદીને ધો.4માં અભ્યાસ કરાવનાર હીરાબેને જણાવ્યું હતું કે, વડનગર કુમાર શાળામાં ધોરણ ચારમાં મોદી મારી પાસે ભણ્યા હતા. જોકે જે સમયે મને નોકરી મળી એ સમયે મે મોદીને ભણાવ્યા છે. મોદીએ સમયગાળા દરમિયાન પ્રાથમિક શિક્ષણમાં ભણવામાં સારા હતા. જેમ નાના બાળકો નાનપણમાં કેવા મસ્તીખોર હોય તેમ એ પણ મસ્તીખોર હતા પણ સમયસર શાળાએ આવતા હતા.

મોદી પરિવાર સાથે પહેલાંથી જ સારા સંબંધ
નરેન્દ્ર મોદીના શિક્ષિકા હીરાબેને જણાવ્યું હતું કે મારું ઘર મોદીના ઘર સામે જ હતું. અમે પાડોશી હતા. એ સમયગાળા દરમિયાન અમારા અને મોદીની માતાના સંબંધો ખૂબ સારા હતા. મોદી ધોરણ ચારમાં સમયસર શાળાએ આવતા. હાલમાં PM મોદી દેશના વડાપ્રધાન છે. તો અમે ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ.

મહાદેવની આરતીનો સ્પર્શ હાથમાં લઇ માતા-પિતાના ચહેરા પર ફેરવતા
હીરાબેને જણાવ્યું હતું કે, મોદી નાનપણમાં શાળા છૂટ્યા બાદ ઘરે આવીને નજીકમાં આવેલા મહાદેવ મંદિરે સાંજે આરતીમાં ભાગ લેતા હતા. ત્યારે આરતીને સ્પર્શ કરીને દોડીને સીધા ઘરે જતા હતા અને માતા-પિતાના ચહેરા પર હાથ ફેરવીને આરતીનો ગરમાવો તેમને આપતા હતા, આજે પણ મને એ પળ યાદ છે.

ગુજરાતી અને સંસ્કૃત ભણવા માટે હંમેશા તૈયાર રહેતાઃ પ્રહલાદ પટેલ
વડનગરમાં બીએમ હાઈસ્કૂલમાં નરેન્દ્ર મોદીને ધો.9થી 11 સુધી શિક્ષણ આપનાર પ્રહલાદભાઈ પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ધોરણ નવથી ઉપરના બધા જ વિષયો પર ગુજરાતી અને સંસ્કૃત ભણવા માટે હંમેશા તૈયાર રહેતા. આમ તો અનેક વિદ્યાર્થીઓ શાળામાં હોય છે અને બધા પર આપણી નજર સુક્ષમ રીતે નથી હોતી પણ મોદી પર મારી નજર પહેલાંથી જ હતી, કારણ કે કેટલાક પ્રસંગો એવા પણ આવતા જેમાં મારો વિદ્યાર્થીઓ સાથેનો નાતો ઘનિષ્ઠ થતો ગયો હતો.

એ સમયે બે વિદ્યાર્થીઓ એક્ટિવ હતા એક મોદી અને બીજા રંજના પરીખ
વધુમાં જણાવ્યું હતું કે એ સમયે સ્કૂલના કેટલાક કાર્યક્રમો હું પોતે જ કરતો હતી. વાર્ષિક પોગ્રામ હોય કે ગુરુવારેની કોઈ સ્પર્ધા કે કોઈ મીટીંગ હોય વિદ્યાર્થીઓના ઘડતરની બાબતમાં કોઈ સ્પર્ધા હોય આ બધા કાર્યક્રમો મોટે ભાગે મારી પાસે રહેતા. જોકે એ સમય ગાળા દરમિયાન મોદી જેવા ઘણા એક્ટિવ વિદ્યાર્થીઓ આવતા હતા. એમાંથી મને હજુ પણ ખાસ બે વિદ્યાર્થીઓ યાદ છે. જેમાં એક નરેન્દ્ર મોદી અને એક રંજના પરીખ જે હાલમાં મુંબઇ હાઈકોર્ટમાં સારા વકીલ તરીકે ફરજ બજાવે છે.

નામ નહીં હોય તો પણ કાર્યક્રમમાં ભાગ લઇશ એમ શિક્ષકને કહેતા
નરેન્દ્ર મોદીની એક ખાસ વાતને વાગોળતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી હંમેશાં કહેતા કે સાહેબ તમે કોઇપણ કાર્યક્રમ માટે જ્યારે નોટિસ ફેરવો અને અમુક દિવસમાં તમારે સ્પર્ધકોના નામ આપી દેવાના હોય ત્યારે હું આવ્યો ન હોવ તો કે પછી મને ખબર ન હોય તો પણ હું એ કાર્યક્રમમાં ભાગ લઇશ એમ માનીને તમારે મારું નામ લખી દેવાનું. બીજા વિદ્યાર્થીઓ કરતા નરેન્દ્ર મોદીમાં અલગ જ લાક્ષણિકતા જોવા મળતી. નવું કાઈ જાણવું હોય તો તૈયાર થઈ જાય. એકાંકી નાટક, વાર્ષિક પોગ્રામ, એમાં ભાગ લેવા તત્પર રહેતા.

જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવવા શિક્ષકો મોદીનું જ નામ આગળ કરતા
એમાં એનું એકાંકી નાટક એક જોગીદાસ ખુમાણ. એ નાટકને આજે પણ વડનગરના કેટલાય માણસો એ પ્રસંગને યાદ કરે છે. કારણ કે એ પાત્રમાં મોદીએ તલવાર ખેંચી જબરદસ્ત અભિનય કર્યો હતો અને લોકોની વાહવાહી લૂંટી હતી. જેથી જ્યારે પણ આ એકાંકી નાટક ભજવવાનું થતું ત્યારે શાળાના શિક્ષકો નરેન્દ્ર મોદીનું જ નામ આગળ કરતા.

શાળામાં છેલ્લા બે તાસમાં પણ ઘરે જવાની ઉતાવળ મોદી ના કરતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું એ સમયગાળા દરમિયાન સ્કૂલમાં સૌથી નાની ઉમરનો શિક્ષક હતો. મારે સંસ્કૃત વિષય છેલ્લા તાસમાં આવતો હતો. કેટલાક વિદ્યાર્થીઓ ઘરે જવાની ઉતાવળમાં રહેતા, પરંતુ નરેન્દ્ર મોદી એક એવા વિદ્યાર્થી હતા. જે છેલ્લા તાસમાં પણ સંસ્કૃત ભણવા બેસી રહેતા. ઘરે જવાની ઉતાવળ ક્યારે કરી નહોતી. મોદી બાળપણથી જ એક વિદ્યાર્થી તરીકે વિશિષ્ટ લાક્ષણિકતામાં સમાજને બતાવી દેવાનું નહિ પણ કંઈક વિશિષ્ટ પ્રતિભા ઉભી થાય એવા એમના વિચારો હતા.

અભ્યાસ દરમિયાન કેટલાક મુદ્દાઓ પર મારે ચર્ચા થતી
પ્રહલાદભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે એ સમયે નરેન્દ્ર મોદીને અભ્યાસમાં કાઈ સમજ ન પડે તો એ સંકોચ રાખ્યા વિના પૂછી લેતા. અમુકવાર અમારા મુદ્દા અલગ પડતા તો ચર્ચા પણ થતી.

અન્ય સમાચારો પણ છે...