ફરિયાદ:પ્રેમલગ્ન કરનારી યુવતીને લોખંડના સળિયાથી માર મારી પતિએ કાઢી મૂકી

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂરજની યુવતીની પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ
  • ઇજાગ્રસ્ત યુવતી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

જોટાણા તાલુકાના સૂરજની વતની અને જોટાણામાં મામાના ઘરે રહેતી યુવતી સાથે કોર્ટમેેરેજ કર્યા બાદ દેત્રોજ તાલુકાના પનાર ગામના યુવકે લોખંડના સળિયા વડે માર મારી જોટાણા મૂકી ગયો છે. મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ રહેલી યુવતીએ પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ આપતાં સાંથલ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી ઘાટલોડિયા પોલીસને મોકલી છે.

જોટાણાના રાવજીનગરમાં રહેતી ભૂમિ ઉર્ફે કાજલ નરેન્દ્રભાઈ મકવાણાએ દેત્રોજ તાલુકાના પનારના મહેશસિંહ વિનુભા ઝાલા સાથે 2 સપ્ટેમ્બર, 2021ના રોજ ચાંદખેડામાં કોર્ટમેરેજ કર્યા હતા. લગ્ન બાદ મેમનગરમાં ખોડિયાર માતાના મંદિર પાછળ ભાડાના મકાનમાં રહેતા હતા. શરૂઆતમાં સારું રાખ્યા બાદ યુવતી અનુ. જાતિની હોવાની જાણ થતાં સાસુ, સસરા અને પતિએ મહેણાં મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

3 જાન્યુઆરીએ તેના પતિએ લોખંડના સળિયા વડે માર મારી 4 જાન્યુઆરીએ રિક્ષામાં બેસાડી જોટાણા મૂકી ગયો હતો. વધુ મારના લીધે શરીરમાં દુ:ખાવો થતો હોઇ તેણીને મહેસાણા સિવિલમાં દાખલ કરાઈ હતી. ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો બન્યો હોઇ સાંથલ પોલીસે પતિ મહેશસિંહ ઝાલા, સસરા વિનુભા ઝાલા અને સાસુ ઉર્મિલાબેન સામે ફરિયાદ નોંધી ઘાટલોડિયા પોલીસને મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...