મહેસાણા તાલુકાના મુદરડા ગામે ટેબાવાળા ઠાકોરવાસમાં મંગળવાર સાંજે સ્પીકર વગાડવા બાબતે 6 શખ્સોએ લાકડીઓ અને ધોકાથી કરેલા જીવલેણ હુમલામાં બે ભાઇઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એક ભાઇનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે લાંઘણજ પોલીસે હુમલો કરનાર 6 શખ્સો વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કરાયાં હોવાનું પોલીસે જણાવ્યુું હતું.
મુદરડાના ટેંબાવાળા ઠાકોરવાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (46) મંગળવાર સાંજે 7 વાગે નાના ભાઇ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દીવો કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના મહોલ્લાના સદાજી રવાજી ઠાકોર રસ્તા પર આવી અજીતજી ઠાકોરને સ્પીકર કેમ વગાડે છે તેમ પૂછતાં અજીતજીએ માતાજીનો દીવો કર્યો હોવાથી સ્પીકર વાગતાં હોવાનું જણાવ્યું હતું. જેને લઇ ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 શખ્સોએ લાકડીઓ અને ધોકાથી જશવંતજી અને અજીતજીને ઢોર માર માર્યો હતો.
આ સમયે ઘરે હાજર ભાણો વિજય (10)એ કટોસણ કામ અર્થે ગયેલ તેના મમ્મી હંસાબેનને ફોન કરી મારામારી અંગે જાણ કરી હતી. હંસાબેને 100 નંબર ઉપર પોલીસને ઘટનાની માહિતી આપતાં લાંઘણજ પોલીસ સ્ટાફ મુદરડા ગામે દોડી આવી ઇજાગ્રસ્ત બંને ભાઇઓને 108ની મદદથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોઇ બંને ભાઇઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જસવંતજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. આ મામલે લાંઘણજ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. લાંઘણજ પીઆઇ એસ.આઇ. ચાવડાએ જણાવ્યું કે, 6 આરોપીઓની ઓળખ થઇ ગઇ છે, ટૂંક સમયમાં ઝડપી લેવાશે.
આ 6 વિરુદ્ધ ગુનો નોંધાયો
1. સદાજી રવાજી ઠાકોર
2. વિષ્ણુજી રવાજી ઠાકોર
3. બાબુજી ચેલાજી ઠાકોર
4. જ્યંતીજી રવાજી ઠાકોર
5. જવાનજી ચેલાજી ઠાકોર
6. વિનુજી ચેલાજી ઠાકોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.