ભાસ્કર એક્સક્લૂઝિવ:મુંબઈની લેડી ડોન અને ડ્રગ્સ માફિયા રૂબિના શેખ ઉનાવાથી ઝડપાઈ; લેડી ડોન રૂબિના શેખ પાસેથી 3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે લેવાયુ હતું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લેડી ડોન રૂબિના શેખ - Divya Bhaskar
લેડી ડોન રૂબિના શેખ
  • મહેસાણા અને મુંબઈ એનસીબીએ ગુપ્ત રીતે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું

મુંબઈની લેડી ડોન અને દેશના ડ્રગ્સ સિન્ડીકેટ સાથે જોડાયેલી રૂબિના શેખને ઉનાવાની મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી લેવામાં આવી હતી. મહેસાણા પોલીસ અને મુંબઈ એનસીબીએ ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડીને 3 ગ્રામ મેફોડ્રોન ડ્રગ્સ સાથે રૂબિના શેખને પકડી મુંબઈ એનસીબીને સોંપી હતી. મહત્વના ઓપરેશન અંગે મહેસાણા એસપીએ ઊંઝા પોલીસને સોંપેલી જવાબદારી સુપેરે પાર પાડી હતી.

કબજે લેવાયેલ ડ્રગ્સ
કબજે લેવાયેલ ડ્રગ્સ

મુંબઈ એનસીબી (નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ગત તા. 18-7-2021ના રોજ મુંબઈના બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં રેઈડ કરીને લેડી ડોન રૂબિના નિયાઝુ શેખના ઘરમાંથી 110 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 585 ગ્રામ સોનુ અને રૂપિયા 78 લાખ રોકડ ઝડપી પાડ્યા હતા. રૂબિના શેખને વોન્ટેડ જાહેર કરી મુંબઈ એનસીબીએ શોધખોળ હાથ ધરી હતી. રૂબિના શેખ ઊંઝા તાલુકાના ઉનાવાની મીરાદાતાર દરગાહ ઉપર આવી હોવાની બાતમી મળતાં એનસીબીએ મહેસાણા પોલીસને જાણ કરી હતી.

તેથી મહેસાણા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના સુપરવિઝન હેઠળ રૂબિના શેખને પકડવા મુંબઈ એનસીબી અને ઊંઝા પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતુ. મુંબઈ એનસીબીના બે અધિકારી અને ઊંઝા પોલીસની ટીમે તા.9-9-2021ના રોજ ઓપરેશન હાથ ધરીને રૂબિના શેખને મીરા દાતાર દરગાહના 100 મીટર દૂરથી પકડી લીધી હતી. રૂબિના શેખને પકડી લીધા બાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કોર્ટમાં રજૂ કરીને મુંબઈ એનસીબીએ ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી મુંબઈ રવાના કરાઈ હતી.

ઊંઝા પોલીસે મુસ્લીમ પહેરવેશ ધારણ કર્યો હતો
ઉનાવા મીરા દાતારની દરગાહ ઉપર 9 સપ્ટેમ્બરે ઉર્સનો મેળો હોવાથી અટક કરવામાં ખાસ તકેદારી રાખવી પડે તેમ હતી. ઊંઝા પીઆઈ એસ.જે.વાઘેલાની આગેવાની હેઠળ એએસઆઈ આરીફખાન, કોન્સ્ટેબલ અત્રિકુમાર, કોન્સ્ટેબલ મિત્તલબેન, કોન્સ્ટેબલ આશાબેને મુસ્લીમ પહેરવેશ ધારણ કરી રૂબિના શેખ સુધી પહોંચ્યા હતા. દરગાહના 100 મીટર દૂરથી પકડીને ઊંઝા પોલીસ સ્ટેશન લઈ જઈ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યુ હતુ. 3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, સોનુ, રોકડ રકમ સાથેે ઝડપાયેલી રૂબિના શેખ એનસીબીને સોંપાઈ હતી.

ઓપરેશન રૂબિના નામ અપાયુ હતુ
મુંબઈ એનસીબીએ બાતમી આપ્યા બાદ એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના સુપરવિઝન હેઠળ હાથ ધરાયેલા ઓપરેશનને ઓપરેશન રૂબિના નામ અપાયુ હતુ. જેમાં એનસીબીના બે અધિકારી અને ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે.વાઘેલા અને 4 કર્મીઓ જોડાયા હતા.

ઊંઝાની શી ટીમ મુંબઈ સુધી મૂકવા ગઈ હતી
મુંબઈ એનસીબી અને ઊંઝા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઊંઝા પોલીસની શી ટીમના મિત્તલબેન ગોસ્વામી અને આશાબેન દેસાઈએ ગુપ્ત ઓપરેશન મુજબ આરોપી સુધી પહોંચવામાં સફળ રહ્યાં હતા. મુંબઈ એનસીબીના એસપી અને એક ઈન્વેસ્ટીગેશન અધિકારી આવ્યા હોવાથી આરોપીને મુંબઈ સુધી લઈ જવા મહિલા કર્મચારીઓની જરૂરીયાત હોવાથી ઊંઝા પોલીસ સ્ટેશનનાં મહિલા કર્મચારીઓએ મુંબઈ સુધી મૂકવા ગયા હતા.

રૂબિના દેશના ડ્રગ્સ સિન્ડીકેટ સાથે સંકળાયેલી છે: NCB
મુંબઈ એનસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રૂબિના નિયાઝુ અઝગર શેખ મુંબઈના બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં કુરેશીનગરના મોલ્લાના બાબાનગરી વિસ્તારમાં રહે છે. 35 વર્ષિય રૂબિનાને 2 દિકરા અને 3 દિકરી છે. મુંબઈ એનસીબીએ નોંધેલા સીઆર નંબર-70-2021ની ફરિયાદમાં નોંધાયેલુ છે કે, તેણી દેશની મોટી ડ્રગ્સ સિન્ડીકેટ સાથે સંકળાયેલી છે. અને આ કેસમાં ત્રણ શંકાસ્પદ હજુ ફરાર છે. જેની શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...