તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં નવી આફત:ઉત્તર ગુજરાતમાં મ્યુકરમાયકોસિસનો પગપેસારો,38 કેસ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓથી એક વોર્ડ ભરાઇ ગયો છે. - Divya Bhaskar
મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓથી એક વોર્ડ ભરાઇ ગયો છે.
  • અરવલ્લી જિલ્લામાં 10 જેટલા શંકાસ્પદ કેસ, 4 દર્દીઓને અમદાવાદ ટ્રાન્સફર કરાયા
  • મહેસાણા શહેરમાં રોજ 10 કેસ આવી રહ્યા છે, લાયન્સ હોસ્પિટલમાં 24 દર્દી દાખલ છે
  • બનાસકાંઠામાં 4 દિવસમાં 4 દર્દીઓ : 2 અમદાવાદ, 2 પાલનપુર સિવિલમાં દાખલ
  • પાટણ અને પાલનપુરમાં અલગથી વોર્ડ ઊભો કરાયો, મહેસાણા, હિંમતનગર અને મોડાસામાં પૂરતી સુવિધાના અભાવે હજુ શરૂ કરાયો નથી

કોરોના બાદ હવે રાજ્યમાં મ્યુકર માયકોસિસ નામના ઘાતક રોગે હાહાકાર મચાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ આ રોગે પગપેસારો કરી લીધો છે. હાલ આવા 38 દર્દીઓ નોંધાયા છે. જેમાં એકલા મહેસાણામાં જ 24 દર્દીઓ સારવાર હેઠળ છે. બનાસકાંઠામાં 4 દર્દી સામે આવ્યા છે. તો અરવલ્લી જિલ્લામાં 10 શંકાસ્પદ કેસ નોંધાયા છે. માથુ ઊંચકી રહેલા મ્યુકર માયકોસિસના દર્દીઓને સારવાર માટે પાટણની ધારપુર અને પાલનપુર સિવિલમાં અલગથી વોર્ડ ઊભો કરાયો છે. જ્યારે મહેસાણા સિવિલ, હિંમતનગર સિવિલ અને મોડાસામાં પૂરતી સુવિધાના અભાવે હજુ શરૂ કરાયાં નથી.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં મ્યુકર માયકોસિસના 10 જેટલા શંકાસ્પદ દર્દીઓ જોવા મળ્યા છે. જેમાંથી 4 દર્દીઓને વધુ સારવાર અર્થે અમદાવાદ ટ્રાન્સફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. મોડાસામાં બે દર્દીઓના બાયોપ્સી અને કલ્ચરના નમૂના પરીક્ષણ માટે અમદાવાદ લેબોરેટરીમાં મોકલાયા છેે. મોડાસાના ઇએનટી સર્જન ડો. જીતેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ રોગ ડાયાબિટીસ અથવા એચઆઈવીના દર્દીઓમાં વધુ જોવા મળે છે. મહેસાણા લાયન્સ હોસ્પિટલનો વોર્ડ નં.25 મ્યુકર માયકોસિસના 19 દર્દીના બેડથી ભરાઇ જતાં બીજા વોર્ડમાં 5 દર્દી સારવાર હેઠળ છે.

મેડિકલ ઓફિસર ર્ડા. વૈશાલીબેન ગોસ્વામીએ કહ્યું કે, છેલ્લા દશેક દિવસથી મ્યુકર માયકોસિસના દર્દી શરૂ થયા છે. કોવિડ-19 થયા પછી ફંગસ થાય છે. નાક, આંખ કે ગળા, જડબાના ભાગે અસર થતી હોય છે. દર્દીને રોજ સારવારમાં 5 ઇન્જેકશન આપવાના હોય છે અને 15 દિવસનો ઇન્જેકશનનો કોર્સ છે. રૂ.8 હજારનું ઇન્જેકશન આવે છે.

સામાન્ય રીતે કોરોના પછી સાઇડ ઇફેક્ટમાં મોટેભાગે ડાયાબિટીસ હોય એવા દર્દીને થાય છે. જોકે, અહીં બે દર્દીને ડાયાબિટીસ નથી છતાં મ્યુકર માયકોસિસ થતાં હાલ સારવાર ચાલુ છે. બધા દર્દી સ્ટેબલ સ્થિતિમાં છે.

ડાબી આંખ અને નાકે સોજો ઉતરતો નહોતો
મહેસાણાના ધરતી બંગ્લોઝમાં રહેતા મૂળ મુલથાણિયાના સૂર્યાબેન ચૌહાણને મહિના પહેલાં કોરોના થયો હતો, તેમાં સાજા થયા પછી ડાબી આંખ અને નાકના ભાગે સોજો ચઢ્યો હતો. સોજો ન ઉતરતાં લાયન્સ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હોવાનું તેમના પૌત્રએ કહ્યું હતું.

આંખ, હોઠે અડીએ તો કંઇ ફીલ ન થતું ન હતુંં
લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિજાપુરના ખણુંસાના ભરતભાઇ પટેલના ભત્રીજા ભાવેશભાઇએ કહ્યું કે, તેમના કાકાને કોરોનાની સારવાર પછી ચહેરા પર ડાબી સાઇડ જાણે પેરાલિસિસ હોય એમ હોઠ અને આંખમાં તકલીફ થવા લાગી. ત્યાં ટચ કરીએ તો કંઇ ફીલ થતું નહોતું. વિસનગર આંખની હોસ્પિટલ ચેકઅપ કરાવ્યા પછી લાયન્સમાં હાલ સારવાર ચાલુ છે, ઓપરેશન પછી 15 ટકા જેટલો ફેર આવ્યો છે.

ખરાબ ચામડી, ભાગ ઓપરેશનથી દૂર કરાય છે
મહેસાણામાં રોજ મ્યુકર માયકોસિસની અસરવાળા 10 જેટલા દર્દી આવી રહ્યા છે. રોજ ત્રણ-ચારની સર્જરી કરાય છે. આંખ, જડબા વગેરેમાં વધુ ક્રિટીકલ કેસોમાં સ્પેશિયાલિસ્ટ ટ્રીટમેન્ટ માટે 4 થી 5 અમદાવાદ રીફર કરાય છે. સામાન્ય રીતે ચહેરાના એક સાઇડમાં અસહ્ય દુ:ખાવો થઇ ફેલાવો થયો, આંખમાં સોજો, દાંત, જડબુ, ચામડી કાળી પડી જાય છે. ખરાબ ચામડીનો ભાગ ઓપરેશનથી કાઢી નાખ્યા પછી એન્ટી ફંગસ ટ્રીટેમન્ટ કરાય છે. જેમાં દર્દીને ડાયાબિટીસ હોય તો એમડી ફિઝિશિયનની દેખરેખમાં ટ્રીટમેન્ટ કરાતી હોય છે.> ર્ડા. નિર્ભય દેસાઇ, ઇએનટી સર્જન મહેસાણા

મહેસાણા સિવિલમાંથી એક દર્દી અમદાવાદ રિફર કરાયો
મહેસાણા સિવિલમાં ગત અઠવાડિયે ફંગસનું એક દર્દી આવ્યું હતું. જોકે, અહીં એન્ડોસ્કોપ સહિત સારવાર માટે જરૂરી સાધન સુવિધાના અભાવે અમદાવાદ રિફર કરાયું હતું.

ધાનેરાના 65 વર્ષના વૃદ્ધને કોરોનાની સારવારમાં તાળવામાં સોજો આવ્યો
​​​​​​​પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુનિલ જોશીએ જણાવ્યું કે, છેલ્લા 4 દિવસમાં આ રોગના 4 દર્દી જોવા મળ્યા છે. 4 દિવસ પહેલાં ધાનેરાથી 65 વર્ષના વૃદ્ધને લાવ્યા હતા. તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન તેમના તાળવામાં સોજો તેમજ આંખમાં સોજો ઉપરાંત વિઝન પણ ઓછું થઈ ગયું હતું. જેમને અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં ભરતી કરાયા છે. બીજો કેસ 8 તારીખે આવ્યો હતો. જેમાં પેશન્ટને મોઢાની અંદર ચાંદા પડી ગયા હતા. ત્રીજો કેસ સિવિલમાં મંગળવારે આવ્યો હતો.

અહીં 10 દિવસથી દાખલ 72 વર્ષના પેશન્ટને તાળવામાં સોજો તેમજ મોઢામાં ચાંદા પડી ગયો હોવાનું અને દાંત હલવા લાગતાં મ્યુકર માયકોસિસ હોવાનું નિદાન થયું હતું. જ્યારે ચોથું કોવિડ પેશન્ટ મૂળ વડગામ તાલુકાનું પણ ડીસામાં દાખલ હતું, જેને તાળવામાં સોજો હોવાનું ધ્યાનમાં આવતાં મંગળવારે સાંજે ડીસાથી પાલનપુર લાવવા તજવીજ હાથ ધરાઈ હતી.

કોને થઈ શકે રોગ
કોરોના પેશન્ટ હોય, સ્ટીરોઈડની દવાનો વધુ પડતો ઉપયોગ કરાયો હોય, રોગ પ્રતિકારક શક્તિ સાવ શૂન્ય હોય, હાઈ ડાયાબિટીસ, કેન્સરની દવા ચાલતી હોય.

અન્ય સમાચારો પણ છે...