ઉદ્યોગો ફરી ધમધમતા થયા:મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી બાદ MSME ઉદ્યોગો ટ્રેક ઉપર, 7 માસમાં 97 ઉદ્યોગોનું રૂ.546 કરોડ મૂડીરોકાણ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારી દરમિયાન ઠપ થયેલા નાના-મધ્યમ ઉદ્યોગો ફરી ધમધમતા થયા
  • ​​​​​​​નવા ઉદ્યોગો આવતાં 1460 સ્થાનિક લોકોને રોજગારી મળવાનો ઉદ્યોગ કેન્દ્રનો દાવો

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી બાદ MSME (માઈક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ) પ્રકારના ઉદ્યોગો હવે ટ્રેક ઉપર આવી ગયા છે. છેલ્લા 7 મહિનામાં 97 જેટલા ઉદ્યોગકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં રજિસ્ટ્રેશન કરાવતાં રૂ.546 કરોડનું મૂડી રોકાણ આવવાનો અને 1460 સ્થાનિક લોકોને રોજગારી મળવાનો દાવો કરાયો છે.મહેસાણા જિલ્લામાં હાલ 10 હજાર જેટલા MSME (માઈક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ) પ્રકારનાં અને 450 જેટલા હેવી ઉદ્યોગો કાર્યરત છે. રાજ્ય સરકારે ઉદ્યોગ નીતિ-2020 બનાવીને નવા ઉદ્યોગો દ્વારા મૂડીરોકાણ વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે.

કોરોના મહામારીમાં શ્રમિકોના અભાવે અનેક ઉદ્યોગોની કામગીરી ઠપ થઈ ગઇ હતી. કોરોનાની બીજી લહેર બાદ મહેસાણા જિલ્લામાં નાના ઉદ્યોગો ટ્રેક ઉપર આવી ગયા છે. જેમાં જાન્યુઆરી-2021 થી જુલાઈ-2021 સુધીમાં 97 ઉદ્યોગકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ 97 ઉદ્યોગ થકી જિલ્લામાં રૂ.546 કરોડનું મૂડીરોકાણ આવવાનો અને તેમના થકી 85 ટકા સ્થાનિક લોકોને રોજગારી પ્રમાણે 1460 લોકોને રોજગારી મળવાનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દિલીપસિંહ ચાવડાએ દાવો કર્યો છે. હાલમાં દૈનિક સરેરાશ 2 MSME પ્રકારનાં ઉદ્યોગોનું રજિસ્ટ્રેશન થતુ હોવાનું તેમણે ઉમેર્યું હતું. મહેસાણા જિલ્લામાં ફાર્મા, સ્પાઈસીસ, એગ્રોબેઝ, કાસ્ટીંગ અને રોડ કન્ટ્રક્શન ઈક્વિપમેન્ટ બનાવવાના જેવા ઉદ્યોગો આવી રહ્યા છે.

એક્સપોર્ટ ક્વોલિટી માટે ઉદ્યોગકારોને સમજણ અપાઈ
મહેસાણા જિલ્લાના ઉદ્યોગકારો વિદેશમાં વધારે નિકાસ કરતા થાય તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી એક્સપોર્ટ કોન્કલેવ-2021નું આયોજન કરાયું હતું. જેમાં 170 ઉદ્યોગકારોને ડીજીએફટીના રિજિયોનલ ઓથોરિટી મૈત્રી નાયડુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સહિત નિષ્ણાતોએ એક્સપોર્ટ મિકેનિઝમ, એક્સપોર્ટ પૉલિસી, એક્સપોર્ટથી દેશ, રાજ્ય અને જિલ્લાને મળતા હુંડિયામણથી થતા ફાયદા અંગે માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...