સાંસદની રજૂઆત બાદ તંત્ર જાગ્યું:મહેસાણાનો બાયપાસ રોડ બિસ્માર બનતા સાંસદે નેશનલ હાઇવેને રજૂઆત કરી, બીજા દિવસે જ સમારકામ ચાલુ કરી ખાડા પુરવામાં આવ્યાં

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા લાંબા સમયથી હાઈવે પર ઠેર-ઠેર ગાબડા પડી ગયા હતા

મહેસાણા શહેરને અડીને આવેલો હાઈવે રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે સાંસદે નેશનલ હાઇવે ઓથોરિટીને પત્ર લખી સમારકામ શરૂ કરવા રજૂઆત કરી હતી. જેના બીજા દિવસે જ તંત્ર કામે લાગી ગયું હતું અને રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં આવ્યાં હતા.

રોડનું સમારકામ શરૂ થતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો

મહેસાણા ડી માર્ટ સર્કલથી શિવાલા સર્કલ સુધીનો અંદાજે 10 કિલોમીટર સુધીનો બાયપાસ હાઇવે છેલ્લા લાંબા ગાળાથી બિસ્માર બન્યો હતો. રોડ પર ઠેરઠેર ગાબડા પડી ગયા હતા. જેથી અહીંયા પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેથી આ મામલે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે નેશનલ હાઇવે ઓથોરિટીને હાઇવેની મરામત કરવા રજૂઆત કરી હતી. જેના ગણતરીના દિવસોમાં જ તંત્ર કામે લાગી જતા હાઇવે પર પડેલા ગાબડા ડામર વડે પુરી દેવામાં આવ્યાં હતા. જેથી હાલમાં રોડ પર સુધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ અહીંયા પસાર થતા વાહન ચાલકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...