ટેન્ડર આપવા ખેંચતાણ:મહેસાણા પાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડનું ટેન્ડર ખીચડી રંધાયા પછી રદ કરવાની હિલચાલ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં પાલિકા અને સંગઠનના કોઇ માનિતાને ટેન્ડર આપવા ખેંચતાણ ચાલી
  • હવે વધુ લોકો લાભ લઇ શકે તે માટે કંટ્રોલ પાલિકા પાસે રાખવાની ચર્ચા

મહેસાણા પાલિકા દ્વારા રૂ. 6.50 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે ક્રિકેટ પ્લે ગ્રાઉન્ડ તૈયાર થતાં એજન્સીરાહે સંચાલન કરવા ઓનલાઇન ટેન્ડર કરાયું છે. જોકે, હવે આ ટેન્ડર રદ કરવા હિલચાલ શરૂ થયાની ચર્ચા છે. નગરપાલિકા અને સંગઠનના કેટલાક માનિતા કે ગોઠવણમાં ટેન્ડર આપવા ખેંચતાણની ચર્ચાએ જોર પકડતાં ખીચડી પકવવા અને રાંધવાવાળા વધી ગયાની ચર્ચા ઉઠી છે. બીજી તરફ શહેર માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો ક્રિકેટ પ્લે ગ્રાઉન્ડ પણ અંડરપાસની જેમ ડ્રીમ પ્રોજેક્ટ હોઇ વધુ લોકો લાભ લઇ શકે તે રીતે આયોજન કરવા પણ નવેસરથી વિચારણા આરંભાઇ હોવાનું પાલિકાના સદસ્ય સૂત્રોમાં જ ચર્ચાઇ રહ્યું છે.

જેને લઇ હાલની ટેન્ડર પ્રક્રિયા રદ પણ થઇ શકે છે તેવી ચર્ચાએ ગુરુવારે પાલિકામાં જોર પકડ્યું હતું. ક્રિક્રેટ પ્લે ગ્રાઉન્ડના ટેન્ડર મામલે સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી પાલિકામાંથી માનિતી એક એજન્સીને ટેન્ડર આપવાની ચાલતી હિલચાલ વચ્ચે અન્ય એક એજન્સી માટે પણ લોબિંગ શરૂ થયું છે. આવામાં વિસનગર તરફથી એક જણાએ મહેસાણામાં સરસ ગ્રાઉન્ડ હોય તો સ્થાનિક મહેસાણાના તાલીમાર્થીઓ માટે ફ્રી રાખવા અંગે પણ સૂચન સંગઠનમાં કેટલાક સાથે થયાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ક્રિકેટ પ્લે ગ્રાઉન્ડમાં ટેન્ડરનો નવેસરથી પણ એકડો ઘૂંટાઇ શકે છે.

ક્રિકેટ તાલીમ માટે ઊંચા દર ન રાખતાં મોટાભાગે વધુ વિદ્યાર્થીઓ, યુવાનો લાભ લઇ શકે તે માટે પાલિકારાહે ઘણું સંચાલન ચાલે તે દિશામાં આયોજન વિચારણા ચાલી રહી છે. હાલ માસિક તાલીમના દર નક્કી કરાયા છે તે ઘટાડવા, મેચદીઠ ફી નક્કી કરાઇ છે તેમાં ફેરફાર કરી પાલિકા સૂચવે એમ ફી લેવી એવું આયોજન પણ આવી શકે તેવી ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...