રાજુ નાયક
ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ હેઠળ મહેસાણા જિલ્લામાં છેલ્લા 16 મહિનામાં 7,945 લોકોએ હાર્ટએટેકથી લઇ કિડની જેવી ગંભીર બીમારીમાં સારવાર અને ઓપરેશનનો લાભ લીધો છે. જે પેટે સરકારે હોસ્પિટલોને રૂ.196.85 લાખનું ચુકવણું કર્યું છે. જિલ્લામાં 1 ઓગસ્ટ 2021 થી 31 ડિસેમ્બર 2022 સુધી ગંભીર બીમારીથી લઇને સર્જરી સુધીની 11,596 લોકોએ સારવાર લીધી છે. જેમાં સૌથી વધુ હાર્ટએટેકના દર્દી હતા. જિલ્લાના 1828 લોકોએ હાર્ટએટેકમાં સ્ટેન્ટ મુકાવ્યા છે. આ માટે સરકારે રૂ.91.64 લાખની રકમ હોસ્પિટલોને ચૂકવી છે.
ઉલ્લેખનીય છે કે, મા કાર્ડમાં રૂ.5 લાખ સુધીની સારવાર મફત થતી હતી અને હવે આ કાર્ડ આયુષ્માન કાર્ડમાં તબદીલ કરાયું છે. તેમાં તાજેતરમાં જ સારવારની રકમ રૂ.10 લાખ કરાઈ છે. આયુષ્માન કાર્ડ માટે સામાન્ય લોકો માટે વાર્ષિક રૂ.4 લાખ સુધીની અને સિનિયર સિટીઝનો માટે રૂ.6 લાખની મર્યાદા નક્કી કરાઈ છે.
સારવાર લીધેલા 26 ક્લેઇમ રદ કરાયાં
ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા 26 લોકોના રૂ.7.3 લાખના ક્લેઇમ સરકારે રદ કર્યા છે. 31 ડિસેમ્બરની સ્થિતિએ સરકારી હોસ્પિટલના 1505, ખાનગી હોસ્પિટલના 2120 મળી કુલ 3625 ક્લેઇમ હજુ પેન્ડિંગ છે. જેની રૂ.75.19 લાખનું ચૂકવણું બાકી છે.
અલગ અલગ પેકેજ નક્કી કરાયાં છે
સરકારે આ કાર્ડ પેકેજ નક્કી કર્યાં છે. જેમાં હાર્ટએટેકથી ત્રણ સ્ટેન્ટ મૂકવાના રૂ.1,12,750, સર્જરી રૂ.28,800, જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે બંને પગનું ઓપરેશન રૂ.60 લાખ, કેન્સરના દર્દીઓ માટે કીમો રૂ.16,610 અને તેની સર્જરી માટે રૂ.1,26,125, કિડનીની બીમારીમાં 10 ડાયાલિસિસના રૂ.23,000, ન્યુરો સર્જરી માટે રૂ.1.37 લાખ અને દાઝ્યા પછીની સારવાર માટે રૂ.50 હજારનું પેકેજ નક્કી કરાયું છે.
સરકારી-ખાનગી હોસ્પિટલમાં ક્લેઇમ અને ચુકવણું
હોસ્પિટલ | ક્લેઇમ | કુલ રકમ | ચુકવણું થયું |
સરકારી હોસ્પિટલ | 2974 | રૂ.26.92 લાખ | રૂ.13.73 લાખ |
ખાનગી હોસ્પિટલ | 8622 | રૂ.252.42 | રૂ.183.12 |
(નોંધ : છેલ્લા 16 મહિનાની વિગત) |
કાર્ડ થકી લીધેલી સારવાર | |
હાર્ટએટેકથી સ્ટેન્ટ મૂકાવ્ય | 1828 |
પથરી, એપેન્ડિ., હરસ-મસા સર્જરી | 931 |
ઘૂંટણ બદલાવા | 314 |
કેન્સર સર્જરી, કીમોથેરાપી | 3512 |
કિડની ડાયાલિસિસ સાથે | 3329 |
0 થી 21 સુધીનાં બાળકો | 124 |
ન્યુરોસર્જરી | 73 |
દાઝ્યા પછી પ્લાસ્ટિક સર્જરી | 71 |
દાઝયાની સારવાર | 9 |
અન્ય | 2781 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.