જાગૃતિ સેમિનાર:e-FIRથી મહેસાણા જિલ્લામાં 4 કેસ સાથે રાજ્યમાં 175થી વધુ કેસો નોંધાયા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણપત યુનિ.માં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને e-FIR જાગૃતિ સેમિનાર યોજાયો

મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીમાં બુધવાર સાંજે e-FIR જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ e-FIR સેવા વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. આ સાથે મહેસાણા પોલીસની કામગીરીને બિરદાવી હતી. e-FIRથી મહેસાણા જિલ્લામાં 4 કેસ સાથે રાજ્યમાં 175થી વધુ કેસો નોંધાયા છે.

સેમિનારમાં મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસે વર્ષોથી દેશભરમાં અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. આ પ્રકારની ટેક્નોલોજી આધારિત નવી પહેલથી રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો થયો છે. વાહન ચોરી, મોબાઈલ ચોરી કે એવી ગુનાહિત ઘટના કે જેમાં કોઈ મારઝૂડ કે કોઈને ઈજા ન પહોંચી હોય તેવા કેસમાં હવે નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા વગર ઓનલાઈન e-FIR નોંધાવી શકશે.

કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ અમેરિકાથી ઓનલાઇન જોડાયા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કલેક્ટર ઉદીત અગ્રવાલ, પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, યુનિવર્સિટીના પ્રો.ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. પ્રોફેસર મહેન્દ્ર શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

રૂ.10 કરોડની ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસનું સન્માન
મહેસાણા પોલીસે નંદાસણ પાસે બાબુભાઇ દેસાઇના રૂ.10 કરોડની ચોરીને ગણતરીના કલાકોમાં ઉકેલી રકમ પરત અપાવવાની કામગીરીને બિરદાવી હતી. તેમજ એસપી અચલ ત્યાગી દ્વારા કરેલા ફીટનેસના નવતર અભિગમના માપદંડમાં આવેલા 5 પોલીસ કર્મીઓનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...