ભાસ્કર વિશેષ:મહેસાણા જૂની મામલતદાર કચેરીમાંથી વધુ 696 મત પેટી ગુમ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 માસ પૂર્વે 484 મતપેટીઓ ચોરાઈ હોવાની મામલતદારે ફરિયાદ નોંધાવી હતી

મહેસાણાની જૂની મામલતદાર કચેરીમાંથી 484 નહીં પરંતુ 1180 મતપેટીઓ ગુમ હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. 3 માસ અગાઉ ગ્રામ્ય મામલતદારે 484 મતપેટીઓ ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસની તપાસમાં વધુ 696 મતપેટીઓ ગુમ હોવાનું બહાર આવતાં મતપેટીઓની ચોરી મામલે નવો ખુલાસો થયો છે.

મહેસાણાની જૂની મામલતદાર કચેરીમાં પડેલી મતપેટીઓ અંગે ચૂંટણી શાખાએ ગ્રામ્ય મામલતદાર પાસે 28 જૂન 2021 ના રોજ વિગત માંગી હતી. વિગતો માંગ્યાના 33 દિવસ બાદ મામલતદાર કચેરીના બે કર્મચારીઓએ તપાસ કરતાં 944 પૈકી 484 મતપેટીઓની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. તેથી મામલતદારે 18 ઓગસ્ટના રોજ પોલીસને જાણ કરી હતી. એક માસ બાદ 484 મતપેટીઓની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

મામલતદારે આપેલાં સમયગાળા દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશન અને આજુબાજુના સીસીટીવી ચેક કરતાં કોઈ કડી હાથ લાગી નહોતી. ત્યારબાદ પોલીસે ગ્રામ્ય મામલતદાર પાસે રેકર્ડની માંગણી કરતાં વર્ષ 2005માં મામલતદાર કચેરીને 1972 મતપેટીઓ ફાળવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ગ્રામ પંચાયતો અને સહકારી સંસ્થાઓની અનેક ચૂંટણીઓ યોજાઈ હોવા છતાં મામલતદાર કચેરીએ મતપેટીઓની સંખ્યાનું કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી. તેથી 2005ની 1972 મતપેટીઓ પૈકી હાલમાં 792 મતપેટીઓ ઉપલબ્ધ હોવાથી 484 બાદ વધુ 696 મતપેટીઓ ગુમ હોવાથી કુલ 1180 મતપેટીઓ ચોરાઈ હોવાનો નવો ખુલાસો થયો છે.

2005માં 1972 મતપેટી ફાળવાઈ હતી : ગ્રા.મા
ગ્રામ્ય મામલતદાર ઉર્વિશભાઈ વાળંદે કહ્યું હતું કે, અગાઉ 484 મતપેટીઓ ગુમ થવા મામલે પોલીસ તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન રેકર્ડની તપાસ કરાતાં 2005માં 1972 મતપેટીઓની ફાળવણી કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં 792 મતપેટીઓ ઉપલબ્ધ હોવાથી વધુ 696 મતપેટીઓ ગુમ હોવાનું જણાયું છે.

અન્ય સમાચારો પણ છે...