તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી:ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વાવેતર શરૂ, 15.88 લાખ હેકટરમાં વાવેતર થવાની આશા

મહેસાણા10 દિવસ પહેલા
  • ઉ.ગુ.માં પ્રથમ સપ્તાહમાં 5566 હેક્ટરમાં વાવણી થઇ
  • કપાસ, મગફળી, ઘાસાચારા અને તુવેરની વાવણી સાથે ચોમાસુ વાવણી શરૂ

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ઉનાળા બાદ હવે ચોમાસુ સિઝનની વાવણી માટે ખેડૂતો તૈયાર છે. તો કેટલાક ખેડૂતોએ કમૌસમી વરસાદ અને પાણીની સુવિધા જોતા વહેલા વાવણીની શરૂઆત કરી છે. જેમાં ઉત્તરગુજરાત વિસ્તારના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ મળી કુલ 5 તાલુકામાં 15.88 લાખ હેકટરમાં ચોમાસુ વાવેતરની આશા સામે હાલમાં 5566 હેકટરથી વધુ જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે.

સાબરકાંઠા જિલ્લાના 8 પૈકી 2 તાલુકામાં હજુ વાવણીની શરૂઆત થઇ નથી

જેમાં હાલમાં પાક પ્રમાણે થયેલી વાવણીની સ્થિતિ જોઇએ તો, 3604 હેક્ટરમાં કપાસનું, 1018 હેક્ટરમાં ઘાસચારાનું, 584 હેક્ટરમાં મગફળીનું, 348 હેક્ટરમાં શાકભાજીનું અને 12 હેક્ટરમાં તુવેરની વાવણી થઇ ચુકી છે. ચોમાસુ વાવણીના પ્રથમ સપ્તાહમાં ઉ. ગુના 47 પૈકી 29 તાલુકામાં વાવણી શરૂ થઇ ગઈ છે. જ્યારે 18 તાલુકામાં વાવણી હજુ બાકી છે. જેમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લાના તાલુકામાં વાવણી શરૂ થઇ ગઇ છે. જ્યારે પાટણ જિલ્લાના 9 પૈકી 5 તાલુકા, બનાસકાંઠા જિલ્લાના 14 પૈકી 11 તાલુકા અને સાબરકાંઠા જિલ્લાના 8 પૈકી 2 તાલુકામાં હજુ વાવણીની શરૂઆત થઇ નથી.

પ્રથમ સપ્તાહમાં 5 પ્રકારના પાકોની વાવણી થઇ

ઉ.ગુ.માં ચોમાસુ સિઝનમાં 17 પ્રકારના પાકોની વાવણી થશે. પ્રથમ સપ્તાહમાં 5 પ્રકારના પાકોની વાવણી થઇ છે. વરસાદનું પ્રમાણ વધશે તેમ તેમ પાકોની વાવણી પણ વધશે. સિઝનના અંતે ધાન્ય પાકોમાં ડાંગર, બાજરી, જુવાર અને મકાઇ, કઠોળ પાકોમાં તુવેર, મગ, મઠ અને અડદ, તેલીબીયાં પાકોમાં મગફળી, તલ, દિવેલા અને સોયાબીન, રોકાડીયા પાકોમાં કપાસ, તમાકુ અને ગુવાર તેમજ શાકભાજી અને ઘાસાચારાની વાવેતર કરવામાં આવશે.

ચોમાસામાં મુખ્ય પાકમાં કપાસ, મગફળી, ઘાસ ચારો, શાકભાજીની શરૂઆત થઈ

સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ અધિકારી ઉ.ગુ.ઝોના જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જેમાં સામાન્ય વિસ્તારમાં વાવેતર છેલ્લા પાંચ વર્ષના એવરેજ મુજબ 15.88 લાખ હેકટર જેટલો વિસ્તાર પાંચ જિલ્લાની અંદર હોય છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠા જિલ્લા માં 5.30 લાખ વિસ્તાર હેકટર હોય છે. પાટણમાં 3.32 લાખ હેકટર વિસ્તાર હોય છે. મહેસાણામાં 2.88 લાખ હેકટર, સાબરકાંઠામાં 2.31 લાખ અને અરવલ્લીમાં 2 લાખની આસપાસ વાવેતર વિસ્તાર હોય છે. વધુમાં જણાવ્યું હતું કે ચોમાસામાં મુખ્ય પાકમાં કપાસ, મગફળી, ઘાસ ચારો, શાકભાજીની શરૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...