બાલવાના સહજાનંદ કોલ્ડ સ્ટોરેજમાંથી થયેલા બટરના બોક્ષની ચોરીને લઇને દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ચોરી 15 બોક્ષની જ નહીં પણ 1 કરોડ 75 હજારની કિંમતના મુદ્દમાલની ચોરી થઇ હોવાના આક્ષેપ કર્યા હતા.
15 નહીં 1000 બોક્ષ ચોરાયા: મોઘજી ચૌધરી
દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરીએ જણાવ્યું કે, બાલવાના સહજાનંદ કોલ્ડ સ્ટોરેજમાંથી બટરના બોક્ષની ચોરી થઇ જે મોટી ચોરી છે, પણ તેને છુપાવવામાં આવે છે. માત્ર 15 બોક્ષની ચોરીની જ કલોલમાં ફરિયાદ નોંધાઇ છે. જોકે, માત્ર 15 બોક્ષ જ નહીં પણ આ ચોરી 1000 જેટલા બોક્ષ જેની કિંમત 1 કરોડ 75 હજારના મુદ્દામાલની છે.
કોલ્ડ સ્ટોરેજમાં રાજકીય લોકો પાર્ટનર: મોઘજી ચૌધરી
મોઘજી ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ. કોલ્ડ સ્ટોરેજના નિયમ મુજબ કોઈ પણ સમાનની ચોરી કે બગાડ થાય તો માલિક સામે ફોજદારી ગુનો દાખલ કરવો પડે. એ જ કર્મચારી પર ફરિયાદ કરીને સમગ્ર બાબત દબાવવામાં આવી રહીં છે. કોલ્ડ સ્ટોરેજ વિષ્ણુ નારાયણભાઈ ચૌધરીનું છે જેમાં રાજકીય માણસો સાઇલેન્ટ પાર્ટનર હોવાથી સમગ્ર બાબત પર પરદો રાખવામાં આવ્યો છે. 2 તારીખે ચોરી થઈ અને 4 તારીખે ફરિયાદ નોંધાઇ. હાલમાં કોલ્ડ સ્ટોરેજના મલિક પર ફરિયાદ થવી જોઈએ.
સુપરવાઇઝરે જ ચોરી કરી
મહત્વનું છે કે, કલોલ તાલુકાના બાલવા ગામની સીમમાં આવેલા સહજાનંદ કોલ્ડ સ્ટોરેજમાં મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા રાખવામાં આવેલ 15 કિલો વજનના બટરનાં 15 બોક્સ ચોરી થયા અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. ત્યારે આ બટરનો જથ્થો કોલ્ડ સ્ટોરેજનાં સુપરવાઇઝર દ્વારા જ ચોરી લેવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.
બટર માસિક રૂ. 3 લાખ 38 હજાર 286 ના ભાડાથી સ્ટોરેજ કરવામાં આવે છે
ગાંધીનગરના સરગાસણ મુકામે રહેતા વિષ્ણુ ચૌધરીનું બાલવા ગામની સીમમાં સહજાનંદ કોલ્ડ સ્ટોરેજ પ્રાઈવેટ લિમિટેડ આવેલું છે. જેમાં અન્ય ડાયરેકટરો સાથે તેમની પત્ની પણ ડાયરેક્ટર છે. જ્યારે વિષ્ણુભાઈ મેનેજર તરીકે ફરજ બજાવી બજાવે છે. આ કોલ્ડ સ્ટોરેજમાં પાંચ માણસો પણ ફરજ બજાવે છે. કોલ્ડ સ્ટોરેજના ચાર વિભાગો પૈકી એક વિભાગમાં મહેસાણા દૂધ સાગર ડેરીનું અમૂલનું સફેદ બટર માસિક રૂ. 3 લાખ 38 હજાર 286 ના ભાડાથી સ્ટોરેજ કરવામાં આવે છે. આ કોલ્ડ સ્ટોરેજમાં 57 હજાર 720 બોક્સ રાખવામાં આવ્યા હતા.
ગત તા. બીજી જુનના રોજ દૂધ સાગર ડેરીના સ્ટોક ઈન્ચાર્જ અધિકારીઓ કોલ્ડ સ્ટોરેજની વિઝિટ અર્થ આવ્યા હતા. તેમણે વિઝિટ બુકમાં બટરનાં બોક્સ અસ્તવ્યસ્ત તેમજ સ્ટોક ગણતરી કરવા સહિતની નોંધ કરી હતી. જેનાં પગલે વિષ્ણુભાઈ ચૌધરીએ માઈનસ 18 ડિગ્રી તાપમાનમાં બટરનાં સ્ટોક ના ફોટા પાડી દૂધ સાગર ડેરીમાં ઈમેલ કર્યા હતા. અને સ્ટોકની ગણતરી કરતા 15 કિલો વજનના બટરનાં 15 બોક્સ ચોરી થયાનું માલુમ પડયું હતું.
આથી કોલ્ડ સ્ટોરેજના આ વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો જ્યન ઉર્ફે જીગો રજૂજી ઠાકોર (ટીટોદણ, વિજાપુર) કે જે 16મી મેથી લગ્ન પ્રસંગનું કહીને રજા પર ઉતરી ગયો હતો. એના ઘરે જઈને વિષ્ણુભાઈએ પૂછતાંછ કરી હતી. એ વખતે જયને પોતે બટરનાં બોક્સ વેચી માર્યા ની કબૂલાત કરીને પૈસા આપી જવાની બાંહેધરી આપી હતી. જો કે જયન ઠાકોર પૈસા આપવા નહીં આવતાં અને મોબાઈલ પણ બંધ કરી દેતા વિષ્ણુભાઈએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.