2017માં અહીં જ ચૂંટણીસભા કરી હતી:ભાજપનો "ગઢ' સાચવવા 5 વર્ષ બાદ મોદી આજે મહેસાણા આવશે

મહેસાણા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરોડ્રામમાં બપોરે 12-50 કલાકે મહેસાણા સહિત જિલ્લાની તમામ 7 વિધાનસભાની સંયુક્ત ચૂંટણીસભા ગજવશે

મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકોની સંયુક્ત ચૂંટણી સભા ગજવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 વર્ષ બાદ બુધવારે બપોરે 12-50 કલાકે મહેસાણાની ધરતી પર આવી રહ્યા છે. તેઓ રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે ચૂંટણીસભા સંબોધનાર છે.

ઉલ્લેખનિય છે કે, ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી શુષ્ક જણાતા પ્રચારને વેગવાન બનાવવા મંગળવારે પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણસ્મા અને પાટણમાં તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થરાદ અને ડીસામાં, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સભાઓ સંબોધી હતી. હવે બુધવારે વડાપ્રધાન મહેસાણા અને ત્યાર બાદ ગુરુવારે પાલનપુર અને મોડાસામાં ચૂંટણીસભા સંબોધશે.

આ ચૂંટણીમાં 7 બેઠકો પૈકી મુખ્યત્વે વિજાપુર, બહુચરાજી અને ખેરાલુ સહિતની ત્રણ બેઠકો ઉપર ટિકિટ વહેંચણીને લઈ સ્થાનિક સંગઠન અને કાર્યકરોમાં સર્જાયેલા ભારે ડેમેજને કંટ્રોલ કરી સાતેય બેઠકમાં ભાજપના પોતાના સિક્યોર સહિત અન્ય મતોને અંકે કરવા મોદી બુધવારે બપોરે મહેસાણા એરોડ્રામ ખાતે ચૂંટણી સભા કરવા આવી રહ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

એરોડ્રામ ખાતે બપોરે 1 થી 1-45 એટલે કે પોણો કલાક મોદી ચૂંટણી સભા ગજવશે. ભાજપના 25 વર્ષના શાસનકાળમાં સ્થાનિક કક્ષાએ પણ અત્યાર સુધી વિરોધનો સૂર સાંભળવા કે જોવા મળતો ન હતો, પરંતુ આ ચૂંટણીમાં વિરોધનો સૂર માત્ર મહેસાણા નહીં પરંતુ ગાંધીનગરના કમલમ કાર્યાલય સુધી મોટાપાયે પહોંચ્યો હતો.

ત્યારે મોદીની સભા નારાજ કાર્યકરો કે આગેવાનોને એક મંચ પર લાવવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટેનો માસ્ટર સ્ટ્રોક મનાય છે. નરેન્દ્ર મોદીની સભા બાદ વિધાનસભાની બેઠકો ઉપરનું ચિત્ર બદલાઈ જતું હોવાના ભાજપના દાવા વચ્ચે મોદીની આ સભા 7 બેઠકોના ચૂંટણી પ્રચારમાં મોટો પ્રાણવાયુ ફૂંકશે.

ઉલ્લેખનીય છે કે, 5 વર્ષ પૂર્વે 9 ડિસેમ્બર 2017ના રોજ આ જ મેદાન ઉપર મોદીએ ચૂંટણીસભા યોજી હતી. મોદી બુધવારે ચૂંટણીસભા સંબોધવાના છે, ત્યારે મહેસાણાની પોલીસ ટ્રાફિક મેનેજમેન્ટ કરશે. મોદી બાય રોડ આવવાના ન હોવાથી ટ્રાફિકને લઈ કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી તેમ જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જણાવ્યું હતું.

રાધનપુર રોડથી એરોડ્રામ રોડના રસ્તે લોકો સભા સ્થળે જઈ શકશે, દીવાલ તોડી રસ્તો બનાવાયો
મહેસાણાના રાધનપુર રોડથી પાછળ સોસાયટીઓ તરફ જઈ રહેલા એરોડ્રામ રોડ પરની દીવાલ તોડીને બનાવેલા રસ્તાથી વડાપ્રધાન મોદીની જાહેર સભામાં મહેસાણા સહિત તમામ 7 વિધાનસભાના કાર્યકરો, આગેવાનો અને લોકો વાહનો સાથે પ્રવેશ કરી શકશે. જ્યાં મેદાનની અંદર જ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જ્યારે સર્કિટ હાઉસની બાજુમાં આવેલા મુખ્ય પ્રવેશદ્વારથી વીવીઆઈપી અને નેતાઓ પ્રવેશ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર સીધા જ સભા સ્થળે બનાવવામાં આવેલા હેલીપેડ પર ઉતરાણ કરવાના છે, ત્યારે લોકો એરોડ્રામ રોડ પરના રસ્તાથી જ પ્રવેશ કરી બહાર નીકળી શકશે.

અન્ય સમાચારો પણ છે...