નિર્ણય:મોઢેરા રોડ;વરસાદી પાણી નિકાલ માટે 150 મીટરની લાઇન બદલાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે પાલિકાનો નિર્ણય
  • માર્ગ અને મકાન વિભાગની તૂટી ગયેલી વરસાદી લાઇન બદલવાનું કામ શરૂ

મહેસાણાના મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી દેદિયાસણ જીઆઇડીસી સુધી માર્ગ અને મકાન વિભાગે નાખેલી વરસાદી પાણી નિકાલની પાઇપ લાઇન તૂટી જવાના કારણે દર ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાય છે. જેનો ભોગ લોકોને બનવું પડે છે. પાલિકાના બાંધકામ ઇજનેરે કહ્યું કે, અવસર પાર્ટી પ્લોટથી નુગર બાયપાસ સુધી વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તે માટે નગરપાલિકા દ્વારા વચ્ચેના ભાગમાં જ્યાં પાઇપ તૂટી ગઇ છે તે 150 મીટરની પાઇપ લાઇન બદલી નખાશે. જેનું કામ ચોમાસા પહેલાં પૂરું કરી દેવાશે.

મોઢેરા રોડ અવસર પાર્ટી પ્લોટથી દેદિયાસણ જીઆઇડીસી થઇ નુગર બાયપાસ તરફ અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણી નિકાલની પાઇપ લાઇન માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાંખવામાં આવેલી છે. જેમાં આ લાઇન નંખાયા પછીના ચોમાસામાં જ અવસર પાર્ટી પ્લોટથી જીઆઇડીસી સુધીના રસ્તામાં ખાડા સર્જાયા હતા. જેમાં પુરાણ વગેરે કામગીરી કરાઇ હતી. જોકે, વચ્ચે લાઇન બ્લોક થઇ જવાના કારણે વરસાદી પાણીનો બાયપાસ તરફ આગળ લાઇનમાં નિકાલ ન થતાં ચોમાસામાં રોડ પર પાણી ભરાઇ રહેતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આથી નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કવાયતમાં અવસર પાર્ટી પ્લોટથી દેદિયાસણ જીઆઇડીસી વચ્ચે નવી 900 એમએમ, 3 ફૂટ ડાયાની પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરાઇ છે. આશરે 150 મીટર અંતરમાં આ લાઇન પાછળ રૂ.9 લાખ ખર્ચ થશે. જોકે, હજુ અંડરગ્રાઉન્ડ કામગીરીમાં કેટલા અંદર સુધી પાઇપ લાઇન બદલવાની જરૂરિયાત રહે છે તે મુજબ કામગીરી કરી જોઇન્ટ આપી વરસાદી પાણી નિકાલની લાઇન નંખાશે.

અન્ય સમાચારો પણ છે...