કડી દારૂકાંડ:4 વર્ષમાં ઝડપેલા દારૂની ગણતરી કરાતાં ફફડાટ, ધારાસભ્ય સોલંકીએ દારૂ પ્રકરણમાં ઝંપલાવ્યું

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમંત્રીને તટસ્થ તપાસ કરાવવા લેખિત રજૂઆત
  • એસઆઇટીની ટીમ દ્વારા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનોના ડ્રાઇવર સહિતનાં નિવેદન લેવાયાં

કડી દારૂકાંડમાં મહેસાણા એસપી, એલસીબી પીઆઇની બદલી, 9 પોલીસકર્મીઓ સામે ફરિયાદ અને સસ્પેન્સનની કાર્યવાહી પછી પણ આ મામલો પોલીસને દઝાડી રહ્યો છે. કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ પણ આ પ્રકરણમાં ઝંપલાવી રાજનૈતિક મુદ્દો બનાવી દીધો છે. તો છેલ્લા 4 વર્ષ દરમિયાન પકડેલા દારૂની ગણતરી શરૂ કરાતાં હવે રેલો ક્યાં સુધી પહોંચશે તેને લઇ અનેક પોલીસકર્મીઓ ફફડી રહ્યા છે. દારૂકાંડમાં પોલીસે કેનાલમાંથી વિદેશી દારૂની 441 બોટલો કબજે કરી છે. એસઆઇટીની ટીમ હાલ છત્રાલ પોલીસ ચોકીમાં કેસ સાથે સીધા કે આડકતરી રીતે  સંકળાયેલા વ્યક્તિઓના નિવેદન લેવા સહિતની કામગીરી કરી રહી છે. જેમાં પોલીસ વિભાગના મોટા માથાઓની પણ સંડોવણી ખુલે તેવી સંભાવના છે. તપાસનીસ પોલીસે કોલ ડિટેલ્સ પર વધુ ભાર આપ્યો છે. તો ચોક્કસ જ્ઞાતિના કર્મીઓને બચાવ લેવાના આક્ષેપો વચ્ચે ધારાસભ્ય કરશન સોલંકીએ ગૃહમંત્રીને આ પ્રકરણમાં તટસ્થ તપાસની માંગ કરી છે. બીજી બાજુ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, મારો સગો ભાઇ હશે તો પણ તેને નહીં છોડીએ તેવો સૂર વ્યક્ત કરતાં કહ્યું કે, તપાસનીસ પોલીસ સામે જે પણ આક્ષેપો થઇ રહ્યા છે તે ખોટા છે. અમારી પાસે જેટલા પણ સાધનો છે તેનો ઉપયોગ કરી કેસના અંત સુધી પહોંચીશું. કડી પોલીસે 4 વર્ષ દરમિયાન ઝડપેલો દારૂનો જથ્થો વ્યાપક છે. જે દારૂનો મુદ્દામાલ કયા કેસનો છે, કેવી રીતે ગયો, ક્યાંથી આવ્યો, ગુમ કોણે અને ક્યાં કર્યો તે દિશામાં તપાસ ચાલુ છે. હાલમાં મજબૂત પુરાવા મેળવવાની દિશામાં ટીમ કામ કરી રહી છે. આરોપીઓ કરતાં પુરાવા મહત્વના છે.

આઇજી, મહેસાણા-ગાંધીનગર એસપી સહિતનો કાફલો કડી પોલીસ સ્ટેશનમાં
કડી દારૂકેસની તપાસ ચલાવી રહેલા એસઆઇટીના મુખ્યા એવા ગાંધીનગર એસપી મયુર ચાવડા, રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા, મહેસાણા એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ અને મહેસાણાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડી પોલીસ સ્ટેશન કલાકો સુધી રહેતાં તપાસના મુદ્દે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી કામગીરીને કારણે કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ આઘાપાછા થઇ ગયા હતા અને કંઇપણ સવાલ પુછાય ત્યારે અમને કંઇ પૂછશો નહીં, કંઇ ખબર નથી તેમ કહીને ચાલતા થઇ જતા હતા.

કડીમાં દારૂની તપાસ અંગેની "બાટલી' ડીજી વિજીલન્સમાંથી જ ફોડી દેવાઇ હતી
દારૂકાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જાણવા મળ્યા મુજબ વિજીલન્સ રેડ કરે તે પહેલાં ડીજી વિજીલન્સના એક પોલીસ અધિકારીએ મહેસાણા પોલીસના ઉચ્ચ અધિકારીને ફોન કરી રેડ પડવાની જાણ કરી હતી અને તેમને વહિવટદાર મારફતે કડી પોલીસના ખાસ બાતમીદાર એવા પ્રવિણસિંહ મારફતે વાત પહોંચાડી દારૂકાંડમાં સંડોવાયેલી પોલીસને સાબદી કરી હતી અને તપાસ પોતાના સુધી ના પહોંચે તે માટે પોલીસ અધિકારી અને તેમના વહિવટદારે પોતાના મોબાઇલમાં સોફ્ટવેર મરાવી ડેટા ડિલીટ કરાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...