રશિયનોને મહેસાણામાં બેઠાં-બેઠાં છેતર્યા:ખેતરમાં મજૂરોને ખેલાડી બનાવી ખોટી ક્રિકેટ મેચ રમાડતા, રશિયામાં પ્રસારણ કરી ગોરાઓ પાસે સટ્ટો લગાવડાવતા

મહેસાણા3 મહિનો પહેલા
  • આરોપી શોએબ ત્રણ દિવસ પહેલા જ રશિયાથી આવ્યો હતો, ત્યાં કલબમાં આ પ્રકારે સટ્ટો રમતો
  • મહેસાણા એસઓજીની ટીમે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીને ઝડપી પાડ્યા

મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા 15 દિવસથી આ મેચ રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ખેલાડીને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા અને સમગ્ર મેચ બનાવટી હતી. રશિયામાં રહેતો એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો.

​​​​ગામડાના ખેલાડીઓને રૂપિયાની લાલચ આપી
પૈસા માટે લોકો અવારનવાર અવનવા કરબત કરી અને ગુનાહિત પ્રવૃતિઓ કરી નાખતા હોય છે. મેચ પર સટ્ટો રમવો કે રમાડવો, બેટિંગ, જુગાર, જેવા ગુના પોલીસ ચોપડે રોજ નોંધાતા હોય છે. જોકે, મહેસાણા જિલ્લામાં એક અજીવોગરીબ ઘટના સામે આવી છે. જેમાં મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં ગામડાઓના ખિલાડીઓને રૂપિયા આપીને મેચ રમાડવામાં આવતી હતી. આ મેચનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરી અને રશિયામાં દેખાડવામાં આવતી હતી. રશિયાથી ખાસ એક માણસ આ તમામ મેચને ઓપરેટ કરતો હતો. આ મેચમાં મોટી ટીમો રમી રહી છે તેવું બતાવી રશિયાના લોકો પાસે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હતો. જેની જાણ મહેસાણા એસઓજીની ટીમને થતા આ ગુનો ડિટેક્ટ કર્યો છે. એસઓજીની ટીમે આ મામલે 4 ઓરોપીને ઝડપી પાડ્યાં છે.

ખેતરમાં ગ્રાઉન્ડ બનાવી ક્રિકેટ મેચનું આયોજન કર્યું
મહેસાણા જિલ્લામાં આવેલા મોલીપુર ખાતે ગામડાના લોકલ ખિલાડીઓને રૂપિયાની લાલચ આપી મોલીપુરનો દાવડા શોએબ પોતાના આર્થિક ફાયદા માટે ખેતરમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી કેમેરા ગોઠવી ક્રિકેટ મેચનું આયોજન કર્યુ હતું. તેમજ આ મેચનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરી રશિયામાં સટ્ટો રમાડતો હતો.

આરોપી શોએબે રશિયામાંથી પરત આવી આખો પ્લાન બનાવ્યો
શોએબ નામનો આરોપી 3 માસ અગાઉ રશિયા ગયો હતો. જ્યાં તે કલબમાં આ પ્રકારે સટ્ટો રમતો હતો. જેથી તેણે મહેસાણામાં આવો ખેલ કરી રશિયાના લોકોને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો. આ શખ્સે મહેસાણામાં લોકલ ખેલાડીઓને ક્રિકેટ રમાડી રશિયામાં લાઈવ ટેલિકાસ્ટ કરી છેતરપિંડી આચરી હતી. આરોપી દાવડા શોએબે ધરોઈ કેનાલની નજીક આવેલા ગુલામભાઈ મસીનું ખેતર ભાડેથી રાખી તે ખેતરમાં ગામડાના મજૂરી કરતા અને ક્રિકેટ રમતા કુલ 21 ખેલાડીઓને એક દિવસના 400 રૂપિયાની લાલચ આપી મેચ રમાડતો હતો. મેચનું લાઈવ પ્રસારણ માટે કેમેરા તેમજ એલઈડી લાઈટો પણ ગોઠવી હતી. જોકે, આ સમગ્ર મેચ બનાવટી અને ફિક્સિંગ મેચ હતી. જેમાં રશિયાથી એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો. રશિયાના લોકો આ મેચને મોટી મેચ માની સટ્ટો લગાવતા હતા. જે બાદ રશિયામાં રહેલો શખ્સ જે પ્રમાણે કહેતો તે પ્રમાણે મેચનું પરિણામ આવતું હતું. રશિયામાં રહેલો શખ્સ આઉટ થવાનું કહેતો તો અહિં રમી રહેલો ખેલાડી આઉટ થઈ જતો હતો. આમ સર્પુણ મેચ ફિક્સ કરેલી હતી અને રશિયાના લોકોને છેતરવામાં આવી રહ્યા હતા.

લાઈવ પ્રસારણમાં ગ્રાઉન્ડનું ખાલી 30 યાર્ડ સર્કલ જ બતાવવામાં આવતું હતું
આ સમગ્ર મેચને યુ ટ્યુબ પર લાઈવ બતાવવામાં આવતી હતી, પરંતું લાઈવ પ્રસારણ દરમિયાન ક્રિકેટના ગ્રાઉન્ડનું ખાલી 30 યાર્ડ સર્કલ જ બતાવવામાં આવતું હતું. લાઈવ પ્રસારણમાં ફક્ત બન્ને બેસ્ટમેન, બોલર, અમ્પાયર, વિકેટ કિપર અને બાજુમાં રહેલા ખેલાડીઓને જ બતાવવામાં આવતા હતા. જ્યારે ચોગ્ગો કે છગ્ગો લાગ્યો હોય ત્યારે બોલ કઈ દીશામાં ગયો છે કે કેટલા લોકો મેચ જોવા આવ્યાં છે કે તે પ્રકારનું કઈ પણ લાઈવ બતાવવામાં આવતું ન હતું. જો સંપુર્ણ ગ્રાઉન્ડ બતાવવામાં આવે તો સાયદ લોકોને મેચ ઉપર શંકા જઈ શકે તેમ હતી. આ કારણથી જ લાઈવ પ્રસારણમાં ખાલી 30 યાર્ડ સર્કલ જ બતાવવામાં આવતું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
રશિયામાંથી એક શખ્સ સમગ્ર મેચને ઓપરેટ કરતો
રશિયાના લોકો મહેસાણાના ગામડામાં ચાલી રહેલી મેચને મોટી મેચ માનતા હતા અને તેમાં સટ્ટો મારતા હતા. ત્યારે રશિયામાં રહેલો આરોપી આશીફ મહમદ સાથે વડનગરનો શોએબે ઓનલાઈન ચેટિંગ કરી ક્યાં ખિલાડીને આઉટ કરવો અને ક્યાં બોલે ચોગ્ગો કે છગ્ગો ફટકારવો તે તમામ વિગતો આપવામાં આવતી હતી.

પોલીસે 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યાં
આ સમગ્ર સટ્ટા કાંડમાં સંડોવાયેલો અને રશિયામાં રહેતો આરોપી આશીફ મહમદને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ આરોપી રશિયામાં બેઠા બેઠા ક્યાં ખિલાડીને આઉટ કરવો અને કયો ખિલાડી કેટલા રન કરશે તેમજ ક્યાં બોલે ચોગ્ગો મારવો કે છગ્ગો મારવો તે નક્કી કરતો હતો. આ તમામ વિગતો વડનગરમાં રહેતા અને મેચ રમાડતા શોએબને મેસેજ કરી તે પ્રમાણે જ મેચ રમાડવામાં આવતી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં છે. તેમજ કુલ 3 લાખ 21 હજાર 650નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...