આપઘાત:લૉકડાઉનમાં લોનના હપ્તા ના ભરી શકતાં ફાયનાન્સરના ત્રાસથી વેપારીનો આપઘાત

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના મોટીદાઉના કરિયાણાના વેપારીએ કેનાલમાં પડી જીવન ટૂંકાવ્યું
  • 4 વર્ષ અગાઉ એસઆરજી ફાયનાન્સમાંથી રૂ.7.50 લાખની લોન લીધી હતી અને માસિક 20 હજાર રૂપિયા હપ્તો ભરતો હતો, ફાયનાન્સ કંપનીના કર્મી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો

મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામે કરિયાણાની દુકાન ધરાવતા વેપારીએ લૉકડાઉનમાં એસઆરજી ફાયનાન્સમાંથી લીધેલી લોનના હપ્તા નહીં ભરી શકતાં રોજબરોજ થતી ઉઘરાણી અને દુકાન સીલ કરવા મળતી ધમકીથી ભયભીત બની ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ગુરુવારે બપોરે મોતની છલાંગ લગાવી આપઘાત કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ મામલે વેપારીના ભાઇએ ફાયનાન્સ કંપનીના કર્મી સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મોટીદાઉ ગામે દરજીવાસમાં રહેતા જીકેશભાઇ કનુભાઇ મોદી ગામમાં ચેહરકૃપા કિરાણા સ્ટોરના નામે કરિયાણાની દુકાન ધરાવતા હતા. તેમણે આજથી 4 વર્ષ અગાઉ મહેસાણામાં મોઢેરા ચોકડી સ્થિત એસઆરજી ફાયનાન્સ કંપનીમાંથી રૂ.7.50 લાખની લોન લીધી હતી અને તેનો માસિક રૂ.20 હજારનો હપ્તો તેઓ સમયસર ભરતા હતા.

પરંતુ લોકડાઉન અને આર્થિક મંદીના કારણોથી છેલ્લા આઠેક માસથી તે લોનનો હપ્તો ભરી શકતા ન હતા. આથી ફાયનાન્સ કંપનીના કર્મચારી મહેશ ચૌધરી તેમના ફોનથી અવાર નવાર હપ્તા ભરવા બાબતે ધમકી આપી દબાણ કરતા હતા અને 4 દિવસ અગાઉ મહેશ ચૌધરી તેમના ઘરે જઇ ઘર અને દુકાન સીલ મારવાની ધમકી આપી હતી. આર્થિક ભીડ વચ્ચે ફાયનાન્સર તરફથી મળતી ધમકીઓથી કંટાળી જીકેશભાઇએ આપઘાતના નિર્ણય સાથે ગુરુવારે બપોરે મોટી દાઉ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પમ્પિંગ સ્ટેશન પાસે પડી આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસ મથકે કરાતાં પોલીસે લાશને કેનાલમાંથી બહાર કાઢી મહેસાણા સિવિલમાં પીએમ કરાવી પરિવારને સોંપી હતી. દરમિયાન, મૃતકના ભાઇ ગૌરાંગભાઇ મોદીની ફરિયાદ આધારે પોલીસે એસઆરજી ફાયનાન્સ કંપનીના કર્મચારી મહેશ ચૌધરી સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...