રોગચાળાનો ભય:ઘઉંમાં ઉધઇ, ચણામાં સુકારો અને જીરૂમાં ચરમી, બટાટામાં કાળિયો રોગનો ખતરો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાદળો આવતાં હવામાં ભેજથી મુખ્ય 8 પાકોમાં રોગચાળાનો ભય

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીના મોજા બાદ વાતાવરણમાં અચાનક પલટા બાદ ધુમ્મસ અને વાદળછાયું બન્યું છે. બદલાતી પવનની દિશાની સાથે વાદળો આવતાં હવામાં ભેજથી મુખ્ય 8 પાકોમાં રોગચાળાનો ભય ખડો થયો છે. વાતાવરણની માઠી અસરથી ઘઉંમાં ઉધઇ, ચણામાં સુકારો અને મૂળનો કોહવારો, જીરૂમાં ચરમી અથવા કાળી ચરમી, બટાટામાં કાળિયો રોગ અને ધાણામાં ભૂકી છારો અને રાઇ-વરિયાળીમાં મોલોમશી લાગવાનો ભય ખેડૂતોમાં સેવાઇ રહ્યો છે.

પાકને બચાવવા માટે કૃષિ વૈજ્ઞાનિકની આ સલાહ અનુસરો
ઘઉં - ઉધઇ જણાય તો ફિપ્રોનીલ 5 એસસી 1.6 લિટર અથવા ક્લોરોપાયરીફોસ 20 ઇસી 1.5 લિટર 100 કિલોગ્રામ રેતી સાથે ભેળવી ઉભા પાકમાં પુંખવી, હળવું પિયત આપવું. - ચણા : સુકારો અથવા મૂળનો કોહવારો જણાય તો, ટ્રાયકોર્ડમાં ફુગનો પાવડર પ્રતિ હેક્ટરે 2.5 કિલો પ્રમાણે આપવો. ઉપદ્રવ વધુ હોય તો 10 લિટર પાણીમાં 10 ગ્રામ કોર્બેન્ડાઝિમ ભેળવી છોડની ફરતે જમીનમાં આપવું.
જીરૂ -ચરમી રોગ આવવાની રાહ જોયા વગર પાક 40 દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ દવા (35 ગ્રામ/ 10 લિટર) તથા 25 મીલી તૈલી સાબુનું દ્વાવણ મિશ્રણ કરી 10-10 દિવસના અંતરે 4 વખત છંટકાવ કરવો.
બટાટા- 35-40 દિવસે વાદળ અથવા ઝાકળના કારણે કાળિયો રોગ આવતો અટકાવવા મેંકોઝેબ (0.2%) 30 ગ્રામ દવા તથા 25 મીલી તૈલી સાબુનું દ્વાવણ મિશ્રણ કરી 10 લિટર પાણીમાં ભેળવી છોડ પર છાંટવું. ત્યાર બાદ 10-15 દિવસે બીજો છંટકાવ કરવો.

ધાણા -ભૂકીછારો રોગના નિયંત્રણ માટે 80% વેટેબલ સલ્ફર 25 ગ્રામ અથવા ડીનોકેપ 5 મીલી 10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. રાઇ- વરિયાળી, શાકભાજી જેવા પાકોમાં મોલોમશી અને તડતડિયા જેવી ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ભેજવાળા વાતાવરણને કારણે રાઈ તથા જીરુ જેવા પાકોમાં ફુગજન્ય રોગ થવાની શક્યતા હોઇ ભલામણ મુજબ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.

અન્ય સમાચારો પણ છે...