હવે UPમાં નકલી ક્રિકેટનો સટ્ટો ઝડપાયો:મહેસાણાની મેચને પાલનપુર રાઇડર અને યુપીમાં પંજાબ લીગનું નામ આપી ગોરાઓ પાસે સટ્ટો લગાવ્યો, રશિયાથી મેચને ઓપરેટ કરાઈ

મહેસાણા3 મહિનો પહેલા
  • યુપીમાં પણ લોકલ ખિલાડીઓને ક્રિકેટ રમવા બોલાવવામાં આવતા
  • આ મામલે યુપી પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યાં

મહેસાણા જિલ્લામાં આવેલા મોલિપુર ગામમાં ઝડપાયેલા નકલી ક્રિકેટ સટ્ટા કાંડ બાદ આ કેસના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. મહેસાણાની SOG ટીમે કરેલી કાર્યવાહીને લઇ અન્ય રાજ્યની પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે હવે મહેસાણાના મોલિપૂર બાદ ઉત્તર પ્રદેશમાં પણ નકલી ક્રિકેટ પર સટ્ટા કાંડ ઝડપાયું છે.

મહેસાણા બાદ યુપી પોલીસે પણ રેકેટ ઝડપ્યું
મહેસાણાના SOG પીઆઈ ભાવેશ રાઠોડની ટીમે ક્રિકેટ સટ્ટા બેટિંગનું રેકેટ ઝડપ્યા બાદ ઉત્તરપ્રદેશ પોલીસે પણ પોતાના રાજ્યમાં આ પ્રકારનો ક્રિકેટ સટ્ટો ઝડપી પાડ્યો હતો. યુપી પોલીસે આ કેસમાં મહેસાણા પોલીસ પાસે ફરિયાદ કોપી મેળવી તેના પર અભ્યાસ કર્યા બાદ યુપીમાં ગઈકાલે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

યુપીમાં આ રીતે રમતો હતો ક્રિકેટ સટ્ટો
ઉત્તર પ્રદેશના હાપુડ દેહાંત પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ પારસ માલિકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મહેસાણામાં નકલી ક્રિકેટ સટ્ટો ઝડપાયા બાદ અમારી ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અમને મળેલી બાતમી આધારે મેરઠ બાયપાસ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેમેરા લગાવી યુ ટ્યુબ પર કેટલાક લોકો લાઈવ પ્રસારણ કરી રશિયાના લોકો પાસે સટ્ટો લગાવી રહ્યા છે ત્યારે અમારી ટીમે રેડ મારી આ કેસમાં 2 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ આદરી છે.
મહેસાણા તેમજ યુપીમાં આજ પદ્ધતિ અપનાવી
મહેસાણાના મોલિપુરમાં ભાડાના ખેતરમાં ક્રિકેટ રમાડી રશિયામાં બેઠેલો આસિફ મોહમદ રશીયાના લોકો પાસે મોટી મેચ બતાવી ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતો હતો. ત્યારે યુપી પોલીસની તપાસમાં પણ આજ આરોપી સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અશોક ચૌધરી અને આસિફ મોહમફ વિરુદ્ધ યુપી પોલીસે પણ ગુનો દાખલ કર્યો છે.

નકલી મેચ રમાડવામાં આવી
યુપીના મેરઠ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે રાખી આરોપી શિતાબ ઉર્ફ અબ્બુ ત્યાં લોકલ ખિલાડીઓને મેચ રમવા બોલાવતો અને પ્લેયરને કહેતો કે, તમારું સારું પરફોર્મન્સ જોયા બાદ મોટી ટીમમાં સિલેક્શન કરશું એમ કહી લોકલ ખિલાડીઓને રમવા બોલાવતો હતો. જે ગ્રાઉન્ડમાં નકલી મેચ રમાતી હતી, ત્યાનું ભાડું 40 હજાર રૂપિયા આપવામાં આવતું હતું અને અશોક ચૌધરી મેચ રમાંડવાના 30 થી 40 હજાર રૂપિયા શિતાબ ઉર્ફ શબ્બુને આપતો હતો.

આરોપી શિતાબને યુપીમાં મેચ રમાડવાની ઓફર કરાઈ
આરોપી શિતાબ એક ક્રિકેટર છે તે થોડા દિવસ અગાઉ રશિયા ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં તેનો સંપર્ક આસિફ મહમદ જોડે થયો હતો. આસિફ મહમદે શિતાબને યુપીમાં અન્ય ખિલાડીઓ પાસે આ પ્રકારની ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવાની ઓફર કરી હતી. જેથી શિતાબ યુપી આવ્યાં બાદ તેણે મહેસાણાની પદ્ધતિથી નકલી મેચ રમાડી રશિયામાં લાઈવ કરતો હતો.
રશિયાના લોકો સાથે છેતરપિંડી કરાઈ
નકલી ક્રિકેટનું લાઈવ પ્રસારણ કરાવી આસિફ મહમદ રશિયામાં લોકોને મહેસાણામાં રમાતી મેચને પાલનપુર રાઈડર તરીકે બતાવતો હતો. જ્યારે યુપીના મેરઠમાં રમાતી મેચોને પંજાબ લીગનું નામ આપી રશિયાના લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.
મહેસાણા પોલીસ મેરઠ જવા રવાના
મહત્વનું છે કે, આશીફ મહમફ નામનો સટ્ટોડીઓ રશિયાથી સમગ્ર મેચ હેન્ડલીગ કરતો હતો. ત્યારે યુપી પોલીસના જણાવ્યાં પ્રમાણે આસિફ મહમદ યુપીમાં ક્રિકેટ રમાડનારા શિતાબ પાસે રશિયાના નંબરથી સોશિયલ મીડિયા મારફતે કોલ કરતો અને મેસેજ કરતો હતો. આસિફ મહમદ રશિયામાં બેસી સમગ્ર ઓપરેશન પાર પાડી રહ્યો છે. ત્યારે મહેસાણા પોલીસ પણ આજ કેસમાં વધુ તપાસ માટે આજે મેરઠ જવા રવાના થઈ ગઈ છે.
ખેલાડીઓને કોઈપણ પ્રકારના રૂપિયા આપવામાં આવ્યાં ન હતા
યુપીમાં નકલી ક્રિકેટ મેચના લોકલ ખેલાડીઓને રણજી તેમજ અન્ય નેશનલ ટીમના ખેલાડીઓ છે તેમ રશિયાના લોકોને બતાવવામાં આવ્યાં હતા. તેમજ જે ખેલાડીઓને રમાડવામાં આવ્યાં હતા. તે ખેલાડીઓને કોઈપણ પ્રકારના રૂપિયા આપવાના બદલે તેઓનું મોટી લીગ મેચમાં સીલેક્શન કરવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી. આ સમગ્ર મેચનું ઓપરેટર પણ રશિયાથી એક શખ્સ કરતો હતો અને તે મહેસાણામાં જે શખ્સ ઓપરેટ કરતો હતો તે જ શખ્સ આ લીગને પણ ઓપરેટ કરતો હતો.
મહેસાણામાં પણ આજ પ્રકારનો સટ્ટો રમાયો હતો
મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે. 15 દિવસથી આ મેચ રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ખેલાડીને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા અને સમગ્ર મેચ બનાવટી હતી. રશિયામાં રહેતો એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો.

મહેસાણામાં આ પ્રમાણે સટ્ટો રમાયો
મહેસાણામાં આ પ્રમાણે સટ્ટો રમાયો

મહેસાણામાં ગામડાના ખેલાડીઓને રૂપિયાની લાલચ આપી
પૈસા માટે લોકો અવારનવાર અવનવા કરબત કરી અને ગુનાહિત પ્રવૃતિઓ કરી નાખતા હોય છે. મેચ પર સટ્ટો રમવો કે રમાડવો, બેટિંગ, જુગાર, જેવા ગુના પોલીસ ચોપડે રોજ નોંધાતા હોય છે. જોકે, મહેસાણા જિલ્લામાં એક અજીવોગરીબ ઘટના સામે આવી છે. જેમાં મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં ગામડાઓના ખિલાડીઓને રૂપિયા આપીને મેચ રમાડવામાં આવતી હતી. આ મેચનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરી અને રશિયામાં દેખાડવામાં આવતી હતી. રશિયાથી ખાસ એક માણસ આ તમામ મેચને ઓપરેટ કરતો હતો. આ મેચમાં મોટી ટીમો રમી રહી છે તેવું બતાવી રશિયાના લોકો પાસે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હતો. જેની જાણ મહેસાણા એસઓજીની ટીમને થતા આ ગુનો ડિટેક્ટ કર્યો છે. એસઓજીની ટીમે આ મામલે 4 ઓરોપીને ઝડપી પાડ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...