રમતગમત:જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં 68 મેડલ સાથે મહેસાણાની કર્વે હાઇસ્કૂલ પ્રથમ નંબરે વિજેતા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભમાં મહેસાણાની કર્વે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. - Divya Bhaskar
ખેલ મહાકુંભમાં મહેસાણાની કર્વે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા.
  • 51 મેડલ સાથે તપોવન પ્રા. દ્વિતીય,43 મેડલ સાથે તપોવન મા.તૃતીય

તાજેતરમાં યોજાયેલા મહેસાણા જિલ્લા કક્ષાના 11મા ખેલ મહાકુંભમાં વિવિધ 22 સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓએ મેળવેલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલના પોઇન્ટ આધારે જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાની પસંદગી કરાઇ છે. જેમાં મહેસાણા શહેરની વી.આર. કર્વે પ્રોગ્રેસિવ હાઇસ્કૂલ સૌથી વધુ 181 પોઇન્ટ સાથે પ્રથમ, તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રાથમિક વિભાગ 139 પોઇન્ટ સાથે દ્વિતીય અને તપોવન ઇન્ટરનેશનલ માધ્યમિક વિભાગ 134 પોઇન્ટ સાથે તૃતીય નંબરે રહી છે. આ શ્રેષ્ઠ શાળાઓને અનુક્રમે રૂ.દોઢ લાખ, રૂ.એક લાખ અને રૂ.75 હજારનો શ્રૈષ્ઠ શાળા પુરસ્કાર મળશે.

આ વર્ષે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં કરાટે, સ્કેટિંગ, જુડો, કુસ્તી, ટેકવેન્ડો વગેરે તેમજ ટીમ ઇવેન્ટની કુલ 22 સ્પર્ધાઓ યોજાઇ હતી. જ્યારે તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, વોલીબોલ, એથ્લેટીક, યોગાસન, ચેક અને રસ્તાખેંચ એમ 7 સ્પર્ધાઓ યોજાઇ હતી. તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળાને પ્રથમને રૂ.25 હજાર, દ્વિતીયને રૂ.15 હજાર અને તૃતીયને રૂ.10 હજારનો પુરસ્કાર અપાય છે.

શાળાના વિદ્યાર્થીઓ 68 મેડલ લાવ્યા
કર્વે હાઇસ્કૂલના આચાર્ય અનિલભાઇ પટેલે કહ્યું કે, શાળાના 68 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા છે. વ્યાયામ શિક્ષક પ્રકાશ ગોસાઇએ કહ્યું કે, ગત વર્ષે કોરોનાના કારણે ખેલ મહાકુંભ ન થયો, તેના પહેલાં વર્ષ 2019-20માં પણ કર્વ સ્કૂલ પ્રથમ નંબરે હતી અને આ વર્ષે બીજી વખત પ્રથમ નંબર હાંસલ કર્યો છે. લોકડાઉન પછી રોજ શાળામાં હું અને વ્યાયામ શિક્ષક બી.ટી. પટેલ સાંજે ત્રણ કલાક ખેલાડીઓને સતત જુડો, કુસ્તી, ટેકવેન્ડો, કરાટે અને સ્કેટિંગની તૈયારી કરાવીએ છીએ. સતત પ્રેક્ટિસના કારણે આ સિદ્ધિ મળી છે. હાલ સરકાર દ્વારા શાળામાં 10 દિવસના ચાલુ થયેલા સમર કેમ્પમાં પણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે.

આ શાળાઓ ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ પ્રથમ
તાલુકો શાળા કુલ પોઇન્ટ
મહેસાણા એમ.કે.પટેલ હાઇસ્કૂલ, ગોઝારિયા 121
વિસનગર સહજાનંદ હાઇસ્કૂલ, વિસનગર 101
વડનગર ઉ. બુ. વિદ્યાલય, છાબલીયા 97
ખેરાલુ નોરતોલ પ્રાથમિક શાળા નં.1 109
ઊંઝા સર્વોદય હાઇસ્કૂલ, કહોડા 145
કડી સર્વ વિદ્યાલય, કડી 90
જોટાણા શ્રીરામ સર્વ વિદ્યાલય, જોટાણા 179
વિજાપુર દગાવાડીયા પ્રા. શાળા 90
સતલાસણા યુ.કે. કોઠારી વિદ્યામંદિર, કોઠાસણા 163
બહુચરાજી સાર્વજનિક વિદ્યાલય, મોટપ 205

અન્ય સમાચારો પણ છે...