બદલી:મહેસાણાના સીઓ અલ્પેશ પટેલની બદલી દોઢ મહિને રદ

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ડે.સીએમ નીતિનભાઈ પટેલની ગુડબુકવાળા
  • મહેસાણાથી રાધનપુર પાલિકામાં બદલી કરાઇ હતી

રાજ્યના 32 ચીફ ઓફિસરોની દોઢ મહિના પહેલાં જાહેરહિતમાં કરાયેલી બદલીઓ પૈકી 3 નગરપાલિકાના ચીફ ઓફિસરને યથાવત રાખતો એટલે કે બદલીના હુકમો રદ કરતો હુકમ રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરાયો છે. જેમાં મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલનો પણ સમાવેશ થાય છે. તેમની રાધનપુર ખાતે બદલી કરાઇ હતી.

બદલીના હુકમ પછી ચાર્જમુક્ત કરાયા ન હતા અને છેલ્લા દોઢ મહિનાથી મહેસાણા ખાતે જ ફરજ પર હતા. મહેસાણાના મોટા નેતાની ગુડબુકમાં સીઓ અલ્પેશ પટેલનો સમાવેશ થતો હોઇ બદલી રદ થઇ છે. મહેસાણા, છોટાઉદેપુર અને સંતરામપુરના ચીફ ઓફિસરની 15 જૂને કરાયેલા બદલીના હુકમો મૂળ અસરથી રદ કરતો હુકમ કરાયો છે.

દોઢ મહિના પહેલાં સાણંદના સીઓ બિજલ એમ. સોલંકીની બદલી મહેસાણા પાલિકામાં કરાઇ હતી. જોકે, સાણંદથી બિજલ સોલંકીને ચાર્જમુક્ત કરાયા નહોતા અને તેમણે મહેસાણાનો ચાર્જ સંભાળ્યો નહોતો. બીજી તરફ અલ્પેશ પટેલ મહેસાણા પાલિકામાં રાબેતા મુજબ ચીફ ઓફિસર તરીકે ફરજ પર આવતા હતા. જેમને મહેસાણામાં યથાવત રાખતો ગાંધીનગર સચિવાયલથી હુકમ થયો છે. અધિકારીઓની બદલી હુકમના દોઢ માસ પછી હુકમ રદ કરી યથાવત રાખવામાં આવે તેવા અપવાદરૂપ જ હશે તેવું સૂત્રોનું કહેવું છે. જોકે, બદલી હુકમ રદ કરાતાં કોંગ્રેસ શાસિત રાધનપુર પાલિકામાં સીઓ માટે હજુ વધારે રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...