મહેસાણા જિલ્લામાં એક વર્ષમાં 3844 મહિલાઓએ 181 મહિલા અભયમ હેલ્પ લાઈનમાં મદદ મેળવવા કોલ કર્યો હતો. 845 કેસમાં સ્થળ ઉપર પહોંચીને અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ કરાઈ હતી. વર્ષ દરમિયાન 571 કેસોમાં સમાધાન કરાવીને કેટલાક કેસોમાં જરૂર જણાતા પોલીસ ફરિયાદ કરાવવામાં અને સરકારના અન્ય વિભાગોમાં કેસ મોકલવામાં 181 ટીમ મદદરૂપ બની હતી. તો આપઘાત કરવા નીકળેલી 10 મહિલાઓને સમજાવી જીવ બચાવી લીધાં હતાં.
જિલ્લામાં 3844 મહિલાઓ 181 ટીમને કોલ કર્યા હતા. તે પૈકી ઘરેલુ હિંસાનો ભોગ બનેલી 1987 મહિલાઓએ મદદ માંગી હતી. જ્યારે 526 મહિલાને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. આ ઉપરાંત પતિના લગ્ન બહારના સંબંધોમાં 94 મહિલાઓને મદદ કરી હતી.
કિસ્સો-1 : આપઘાત કરવા રેલવે સ્ટેશને ગયેલી મહિલાને બચાવી
તાજેતરમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોથી કંટાળીને ઊંઝા રેલવે સ્ટેશન ઉપર એક મહિલા આપઘાત કરવા જતી હતી તે સમયે એક વ્યક્તિએ 181 ને કોલ કર્યો હતો. ત્યારબાદ મહિલાને ફોન ઉપર વાતોમાં પરોવીને 181 ટીમ તેજ ગતિથી ગાડી દોડાવીને સ્થળ ઉપર પહોંચીને મહિલાને આપઘાત કરતા રોકીને એક દિકરાને માતા વગર નિરાધાર થતા બચાવી લીધો હતો.
કિસ્સો-2 : લીવ ઈન રીલેશનશીપમાં રહેતી યુવતીના લગ્ન કરાવ્યા
યુવતીની સગાઈ થઈ ગયા બાદ પિતાની આર્થિક સ્થિતિ સારી નહી હોવાથી યુવતીએ પરિવારની મરજી વિરૂદ્ધ ભાગી જઈને સગાઈ કરનાર યુવક સાથે લીવ ઈન રીલેશનશીપથી રહેવા લાગી હતી. બંને વચ્ચે શંકાના બીજ રોપાતા યુવતીને પિયર જવુ પડ્યુ હતુ. યુવતીને બે માસનો ગર્ભ રહ્યો હોવાની જાણ થતાં 181 ને કોલ કરતા ટીમે સમાધાન કરાવીને ત્રીજા દિવસે વડીલોની હાજરીમાં બંનેના લગ્ન કરાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.