મહેસાણાના રાધનપુર રોડ પર દક્ષ કોમ્પલેક્ષમાં આવેલી યુનિપથ લેબોરેટરીના બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ થતો હોવાનું ધ્યાને આવતાં સ્થળ પર જ પાલિકા તંત્ર દ્વારા પબ્લિક હેલ્થ બાયોલોઝના ભંગ બદલ રૂ. એક હજાર દંડ ફટકારીને વસુલાત કરાઇ હતી.
ગુરુવારે સવારે રાધનપુર રોડથી પસાર થતાં નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર દિલીપ ત્રિવેદીના જાહેર સ્થળે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થયાનું ધ્યાને આવતા વિસ્તારના વોર્ડ ઇન્સપેક્ટરને બોલાવીને તપાસ કરાવી હતી. જ્યાં રાધનપુર રોડથી એરોડ્રામ તરફ જતા રસ્તાની કોર્નરમાં એક રિક્ષાથી કચરો ઠલવાયો હતો. જેમાં તપાસ કરતાં બ્લડીંગ સેમ્પલ, ઇન્જેક્શન નોડલ, સિરિન, ગ્લવ્ઝ વગેરે વેસ્ટ ઠલવાયેલો હતો. જે કચરામાં યુનિપથના લેબલ જોવા મળ્યા હતા.
પાલિકાની ટીમ દક્ષ કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ રાકેશ પીંપલદરા અને ર્ડા. વિપુલ પ્રજાપતિની યુનિપથ લેબમાં પહોંચી હતી અને તપાસ કરતાં લેબના સ્વીપરે કોર્નરમાં બાયો મેડિકલ વેસ્ટ નાખ્યાનું બહાર આવ્યુ હતું. જ્યાં સ્થળ પર લેબના તબીબે સ્વીપરને ઠપકો આપીને તેમની જાણ બહાર બાયો વેસ્ટ નિકાલ થયાનું પાલિકા ટીમને જણાવ્યુ હતું. જોકે પાલિકાએ જાહેર રોડ ઉપર પબ્લિક હેલ્થ બાયોલોઝ ઉલ્લંઘન બદલ રૂ. એક હજારની સામાન્ય પહોચ આપીને પાલિકાએ લેબોરેટરીની દંડ વસુલાત કરી હતી.
આ અંગે સેનેટરી ઇન્સપેક્ટર દિલીપભાઇ ત્રિવેદીએ કહ્યું કે, પબ્લિક હેલ્થ બાયોલોઝના ભંગ બદલ લેબોરેટરી સામે દંડકીય કાર્યવાહી કરાઇ છે.
બીજી વખત રૂ. 5000 દંડની જોગવાઈ
પાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર દિલીપ ત્રિવેદીએ કહ્યું કે, સરકારની ગાઇડલાઇન મુજબ પાલિકા દ્વારા પબ્લિક હેલ્થ બાયોલોઝ પ્રસિધ્ધ કરાયેલ છે. જેમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નિકાલ કરી બાયોલોઝ ભંગમાં રૂ. 500થી 1000 દંડ અને બીજી વખત ભંગના કિસ્સામાં રૂ. 5000 દંડની જોગવાઇ કરાયેલી છે. તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.