• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana Underpass Will Not Start Before Monsoon, 4 Sumps For Rainwater Disposal, Color Work, Lighting And Safety Marking Work Pending

ભાસ્કર બ્રેકિંગ:મહેસાણાનો અંડરપાસ ચોમાસા પહેલાં શરૂ નહીં થાય, હજુ વરસાદી પાણીના નિકાલ માટે 4 સમ્પ, કલરકામ, લાઇટિંગ અને સેફ્ટી માર્કિંગનું કામ બાકી છે

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોઢેરા ચોકડી અંડરપાસનું કામ શરૂ થયાના 18 મહિનામાં 96 ટકા જેટલું પૂર્ણ થયું છે. - Divya Bhaskar
મોઢેરા ચોકડી અંડરપાસનું કામ શરૂ થયાના 18 મહિનામાં 96 ટકા જેટલું પૂર્ણ થયું છે.
  • અંડરપાસની બંને બાજુના રોડનું સંપૂર્ણ કામ પૂરું થયા બાદ જ શરૂ કરાશે, ~104 કરોડનો પ્રોજેક્ટ 37 કરોડના વધારા સાથે 141 કરોડે પહોંચ્યો

મહેસાણા શહેરના મુખ્ય હાઇવે પર રૂ.141 કરોડના ખર્ચે બની રહેલા સરદાર પટેલ અંડરપાસનું કામ શરૂ થયાના 18 મહિનામાં 96 ટકા જેટલું પૂર્ણ થયું છે. કોરોનાની ત્રણ લહેરોના કારણે કામ તેના નિયત સમય કરતાં લગભગ ત્રણેક મહિના મોડું ચાલી રહ્યું છે. હવે માત્ર 4 ટકા જેટલું કામ બાકી છે. પરંતુ ચોમાસાના કારણે અંડરપાસ શરૂ થતાં હજુ 4 મહિના રાહ જોવી પડશે. ગત 12 નવેમ્બર, 2020ના રોજ તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ખાતમુહૂર્ત બાદ ડિસેમ્બર-2020થી મોઢેરા ચોકડી અંડરપાસનું કામ શરૂ કરાયું હતું. કોરોનાની એક બાદ એક ત્રણ લહેરના કારણે એપ્રિલ-2022 સુધીમાં કામ પૂર્ણ કરવાનો અંદાજ ખોટો પડ્યો હતો.

વિશ્વસનિય સુત્રો મુજબ, કોરોનાના કારણે કામગીરી 3 મહિના મોડી ચાલી રહી છે. બીજી બાજુ રૂ.104 કરોડના પ્રોજેક્ટની કિંમતમાં રૂ.37 કરોડના વધારા સાથે રૂ.141 કરોડે પહોંચ્યો છે. હાલની સ્થિતિએ અંડરપાસનું 96 ટકા કામ પૂરું થયું છે. બાકી રહેતાં 4 ટકા કામમાં અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે 4 સમ્પ, કલરકામ, લાઇટિંગ અને સેફ્ટી માર્કિંગ કરવાનું કામ પણ હજુ બાકી છે.

બીજી બાજુ, અંડરપાસની બંને બાજુ એટલે કે, ખારી નદીના બ્રિજથી ડેરી બ્રિજ સુધીના રોડને પહોળો કરવાની મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જોકે, રોડ પર ડામરનું છેલ્લુ લેયર, સેફ્ટી માર્કિંગ અને લાઇટનું કામકાજ હજુ બાકી છે. જ્યારે મોઢેરા સર્કલ ઉપર સરદાર પટેલની પ્રતિમાને પુન: સ્થાપિત કરવા સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં ચોમાસુ હવે ગમે ત્યારે દસ્તક દેશે. અંડરપાસ અને બંને બાજુના રોડનું સંપૂર્ણ કામ પૂરું ન થતાં હાલ અંડરપાસને સામાન્ય પ્રજા માટે શરૂ નહીં કરી શકાય. એટલે કે, અંડરપાસ શરૂ થતાં હજુ 4 મહિના જેટલો સમય લાગી શકે છે.

અંડરપાસ પર એક નજર

  • 927 મીટર કુલ લંબાઇ
  • 9-9 મીટરની 2 લેન સાથે કુલ પહોળાઇ 18 મીટર
  • 18 ફૂટની ઊંચાઇ અંડર પાસમાં પસાર થતાં વાહનો માટે
  • 4 સમ્પ વરસાદી પાણીના નિકાલ માટે (13 લાખ લિટર પાણી સંગ્રહ ક્ષમતા)
  • 12 મીટરના ઘેરાવો ધરાવતાં સર્કલની વચ્ચે સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરાશે.
  • 4 કિમી ખારી નદી બ્રિજથી ડેરી બ્રિજ સુધી હાઇવેની બંને બાજુ 9-9 મીટરના સર્વિસ રોડ.

ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ ક્ષમતાનો ખ્યાલ પણ આવી જશે...
927 મીટરની લંબાઇ અને 18 મીટરની પહોળાઇ ધરાવતાં આ અંડરપાસને ચોમાસા પહેલાં ખુલ્લો નહીં મુકાવાનો એક તર્ક એ પણ છે કે, અંડરપાસમાં ભરાતાં વરસાદી પાણીના નિકાલનું તંત્રનું આયોજન કેટલી હદે સફળ છે તે જાણવાનો છે. જેને લઇ તંત્ર ચાલુ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે 13 લાખ લિટર પાણી ઉલેચવાની ક્ષમતા ધરાવતા 4 સમ્પની ચકાસણી કરી લેશે. જો અંદાજ કરતાં પરિસ્થિતિ વધુ ગંભીર બને તો અંડરપાસ શરૂ કર્યા પહેલાં સમ્પની ક્ષમતા અથવા સંખ્યામાં વધારો પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...