ખંડણીખોરની ધમકી:મહેસાણાના વેપારી પાસે દોઢ કરોડની ખંડણી માગી, શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જેલ રોડ પર આવેલી જેટ ઇલેક્ટ્રોનિક્સના માલિકને ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ
  • 47 લાખમાં ખરીદેલું મકાન મારા નામે કરી બીજા દોઢ કરોડ આપી દેજો નહીં તો બંને દીકરાને મારી નાખીશ

મૂળ કડીના ધુમાસણ ગામના અને હાલ મહેસાણામાં રહેતા વેપારી અને તેમના પુત્રને સોમવારે એક શખ્સે મારી નાખવાની ધમકી આપી રાધનપુર રોડ પરનું મકાન પોતાના નામે લખી આપવા તેમજ રૂ. દોઢ કરોડની ખંડણી માંગી હતી. જેને લઇ ગભરાઇ ગયેલા પરિવારે મોડી રાત્રે આ શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જેને પગલે પોલીસે ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. મહેસાણામાં ડેરી પાસે વર્ધમાન ફ્લેટમાં રહેતા વેપારી ભૂપેન્દ્રસિંહ દિલીપસિંહ ડાભી (મૂળ રહે.ધુમાસણ) એ 3 મહિના અગાઉ કનુજી ઠાકોર પાસેથી રાધનપુર રોડ પર સાયોના પરીસરમાં આવેલું એક મકાન રૂ.47 લાખમાં ખરીદ્યું હતું.

જેને લઇ કનુજીના પુત્ર પિન્ટુભા ઠાકોરે સોમવારે ભૂપેન્દ્રસિંહના દીકરા રોનકસિંહને પિન્ટુભાએ તેના પિતા પાસેથી ખરીદેલું મકાન લખી આપવાની સાથે રૂ.દોઢ કરોડની માંગણી કરી હતી. જો મકાન અને રૂપિયા નહીં આપે તો ઘરના બધા લોકોની લાશો પડી જશે તેવી ધમકી આપી હતી.

ધમકીથી ડરી ગયેલા રોનકસિંહ પિતાની દુકાને આવી તેમને ઘરે જતાં રહેવાનું કહી તે અજ્ઞાત સ્થળે નીકળી ગયા હતા. દરમિયાન, બપોરે 2 વાગે પિન્ટુભા જેલ રોડ પર ડોક્ટર હાઉસની નીચે આવેલી જેટ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાને પહોંચી વેપારી ભૂપેન્દ્રસિંહને મારું મકાન મારા નામે કરી દેજો અને બીજા દોઢ કરોડ મને આપી દેજો નહીં તો તમારા બંને દીકરા નહીં રહે, હું તેમને મારી નાખીશ.

મારા વિશે ગુજરાતમાં કોઇપણને પૂછી લેજો અને તમારે પોલીસ પ્રોટેક્શન લેવું હોય તો લઇ લેજો. હું પહેલા નાના દીકરાને અને પછી મોટા દીકરાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે આઇપીસી કલમ 387 અને 506 (2) મુજબ પિન્ટુભા કનુજી ઠાકોર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારીને આપેલી ધમકી મોબાઇલ ફોનમાં રેકોર્ડ
પિન્ટુભાએ રોનકસિંહને આપેલી ધમકી બાબતે ભૂપેન્દ્રસિંહ રેલવે પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા નાના ભાઇ રાકેશસિંહ સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન પિન્ટુભા દુકાને પહોંચી ધમકી આપી હતી. સમગ્ર વાતચીત ફોનમાં રેકોર્ડ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...