મહેસાણા જિલ્લામાં બીજા દિવસે પણ 43 ડિગ્રી તાપમાન નોંધાતા જાહેર માર્ગો સહિત બજારોમાં કરફ્યુ જેવો માહોલ છવાયો હતો. 43.26 ડિગ્રી ગરમી નોંધાતા બપોરના સુમારે લોકો ભારે પરેશન થયા હતા. જ્યારે હજુ આગામી 24 કલાક બાદ ગરમીમાં એક ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આકરી ગરમીથી બચવા લોકો એસી, કુલર, ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા.
મહેસાણા જિલ્લામાં સોમવારે મહત્તમ તાપમાન 43.26 ડિગ્રી નોંધાયું હતું. તાપમાન નોંધાતા રહીશો ગરમીથી ભારે પરેશાન બન્યા છે. જિલ્લાના તાલુકા મથકો, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણ, ઊંઝા અને બેચરાજીમાં પણ અસહ્ય ગરમી સાથે આકાશમાંથી અગન ગોળા વરસતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.
જિલ્લામાં ગરમીએ કહેર વરસાવતા લોકો તેનાથી બચવા ઘરોમાં પુરાયેલા જોવા મળ્યા હતા. તો શહેરના મુખ્ય બજારોમાં રસ્તાઓ સુમસામ થતા કરફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ગ્રાહકો બજારમાં આકરી ગરમીથી ન ફરકતા બજારો સુમસામ પડી હતી. જેને લઇ વેપારીઓ પણ ચિંતાતુર બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.