ફરજ:અમદાવાદ રોડ પર મધરાત્રે ભાવનગરના રહીશની કાર બંધ થઈ જતાં મહેસાણા પોલીસ મદદે પહોંચી

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહીશે 100 નંબર ઉપર ડાયલ કરીને પોલીસની મદદ માંગી હતી

રાજસ્થાનના ભીનમાલમાં કુળદેવીના દર્શન કરીને ભાવનગરનો પરિવાર પરત જતો હતો તે દરમિયાન અમદાવાદ હાઈવે ઉપર મોડી રાત્રે કારનું એન્જિન બગડતાં 100 નંબર ડાયલ કરવાથી 15 મિનિટમાં સ્થળ ઉપર પહોંચીને પરિવારની મદદ કરી મહેસાણા પોલીસે મે આઈ હેલ્પ યુનું સૂત્ર સાર્થક કર્યંુ હતુ. ભાવનગર શહેરમાં પીજીવીસીએલમાં નોકરી કરતાં હાર્દિકભાઈ ઓઝા પરિવાર સાથે રાજસ્થાનમાં ભીનમાલમાં કુળદેવીના દર્શને ગયા હતા.

દર્શન કરીને પરત ફરતા સમયે 10 નવેમ્બરના રોજ મોડી રાત્રે 3.30 વાગે અમદાવાદ હાઈવે ઉપર સેફ્રોની રિસોર્ટ પાસે રેડીયેટરના કુલન્ટની પાઈપ ફાટી જતાં કાર હીટ મારી ગઈ હતી. અજાણ્યો વિસ્તાર અને તેમની પત્ની, દીકરો અને દીકરી સાથે હોવાથી હાર્દિકભાઈએ 100 નંબર ડાયલ કરીને પોલીસ કંટ્રોલ ઈન્ચાર્જ જયરામભાઈ પાસે મદદ માંગી હતી. કંટ્રોલમાંથી હાઈવે ટ્રાફિક અને લાંઘણજ પોલીસને જાણ કરાતા 15 મિનિટમાં પોલીસની 4 ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.

કાર બંધ હોવાથી તેને ટોઈંગ કરી, પોલીસે હાઈવે ઉપરની હોટલમાં એરેન્જમેન્ટ કરાવી આપ્યુ હતુ. આ ઘટના અંગે એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલને જાણ થતાં તેમણે કંટ્રોલ રૂમના એએસઆઈ જયરામભાઈ જેસંગભાઈ, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ કપુરજી, કોન્સ્ટેબલ દિપકકુમાર, હાઈવે ટ્રાફિકના એએસઆઈ લક્ષ્મણભાઈ અને લાંઘણજના એએસઆઈ જયરામભાઈ તળજાભાઈને જીએસટી (ગુડ સર્વિસ ટિકિટ)નું ઈનામ આપીને બિરદાવ્યા હતા. બીજા દિવસે કાર રીપેર કરાવીને ભાવનગર પહોંચેલા હાર્દિકભાઈએ પોલીસની તાત્કાલિક મદદ મામલે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...