કોર્ટનો ચુકાદો:મહેસાણાના પોલીસ કર્મીને લાંચના ગુનામાં 2 વર્ષ કેદની સજા, 500 દંડ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પે. એસીબી કોર્ટનો ચુકાદો, ASI નજીરહુસેન સિંધી 2012માં 1500ની લાંચમાં પકડાયો હતો

મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન એએસઆઈ નજીરહુસેન સુલેમાન સિંધીને લાંચ લેવાના કેસમાં મહેસાણાની સ્પે. એસીબી કોર્ટે 2 વર્ષની કેદની સજા અને રૂ.1500નો દંડ ફટકાર્યો છે. આરોપી 2012માં ફરિયાદીને કોર્ટમાં રજૂ કરી હેરાન નહીં કરવાના બદલામાં લાંચ લેતાં ઝડપાઈ ગયો હતો.

મહેસાણાના પરેશભાઈ અમૃતભાઈ પટેલ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અરજી કરાતાં તેની તપાસ તત્કાલીન એએસઆઈ નજીરહુસેન સુલેમાન સિંધીને સોંપાઇ હતી. તપાસના કામે પરેશ પટેલને 24 કલાક જેલમાં નહીં રાખી, કોર્ટમાં તરત રજૂ કરવાની અને હેરાન નહીં કરવાના બદલમાં એએસઆઈએ રૂ.3 હજારની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીમાં જાણ કરતાં એસીબીએ તા.30 ડિસેમ્બર, 2012ના રોજ ગોઠવેલા છટકામાં એએસઆઈ નજીરહુસેન સિંધી રૂ.1500ની લાંચ લેતાં ઝડપાઈ ગયો હતો.

તેથી એસીબીએ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કેસ મહેસાણાની સ્પે. એસીબી કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એમ.ડી. પાન્ડેએ સરકારી વકીલ સંજયભાઈ આર. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નજીરહુસેન સુલેમાન સિંધીને 2 વર્ષની કેદની સજા અને રૂ.1500નો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...