પોલીસ ભરતી:મહેસાણા પોલીસ દ્વારા 3 સ્થળોએ શારીરિક કસોટી માટે આવતા ઉમેદવારોને રહેવાની વ્યવસ્થા કરાઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અત્યાર સુધીમાં 1800થી વધારે ઉમેદવારોએ મહેસાણા પોલીસની સુવિધાનો લાભ લીધો

હાલમાં ગુજરાતમાં પોલીસ ભરતી ચાલી રહી છે, જેમાં 15 જુદા જુદા મેદાનો પર શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. આ કસોટી વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થતી હોવાથી ઉમેદવારોને અન્ય શહેરોમાંથી રાત્રે જ જે-તે શહેર સુધી પહોંચવું પડતું હોય છે, પરંતુ અજાણ્યા શહેરમાં રોકાણની વ્યવસ્થા ન હોવાથી તેમને તકલીફ પડતી હોય છે, એવામાં ઘણી સેવાભાવી સંસ્થાઓ તથા પોલીસ દ્વારા ઉમેદવારો માટે રોકાણની વ્યવસ્થા કરાઈ રહી છે. આ જ ક્રમમાં મહેસાણામાં પણ પોલીસ ભરતીના ઉમેદવારો માટે પોલીસ દ્વારા રહેવાની વ્યવસ્થા કરી અપાઈ છે.

મહેસાણામાં ઉમેદવારો માટે 3 સ્થળોએ રહેવાની વ્યવસ્થા
લોકરક્ષક/પોસઈની શારીરિક કસોટીમાં મહેસાણા પરીક્ષા આપવા માટે જનારા ઉમેદવારો માટે મહેસાણા પોસીસ દ્વારા ત્રણ સ્થળોએ રહેવાની સુવિધા કરાઈ છે. જેમાં કેશવ અર્બુદા ભવન, ડોસાભાઈની ધર્મશાળા તથા પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં પોલીસ બેરેક હાઉસનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાઓમાં અત્યાર સુધીમાં 1887થી વધુ ઉમેદવારોએ રહેવાની સગવડનો લાભ લીધો છે, તથા વધુ ઉમેદવારો આ સુવિધાઓનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. મહેસાણા જિલ્લા SP તરફથી ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.

ઉમેદવારો માટે ગોંડલમાં રહેવાની સુવિધા
નોંધનીય છે કે, રાજ્યમાં 15 મેદાન પર ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે ઘણી સેવાભાવી સંસ્થા, પોલીસ તથા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. ગોંડલમાં ​​​​​પોલીસ ભરતીની બે મહિના સુધી ચાલનારી પ્રક્રિયામાં SRPF ગ્રુપ-8, કોટડા સાંગણી રોડ પરના મેદાનમાં શારીરિક કસોટી શરૂ થઈ છે. એવામાં ગોંડલ પાલિકા દ્વારા શેલ્ટર હોમમાં આ ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 400 જેટલા યુવાનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પીવાના પાણીની, નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

રાજ્યમાં આ સ્થળોએ ઉમેદવારો માટે વ્યવસ્થા
રાજ્યમાં આમ અત્યારસુધીમાં ઉમેદવારો માટે ઘણા સ્થળોએ રહેવા-સૂવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકરક્ષક દળની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ બાબતે જાણ કરી હતી. એમાં જૂનાગઢ, અમરેલી, નડિયાદ, સાબરકાંઠા, ખેડા, ગોધરા તથા ગોંડલમાં ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ છે. અમરેલી જિલ્લા પોલીસ મુખ્ય મથક, નડિયાદમાં જલારામ મંદિરમાં, સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા, ખેડા જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે, તથા ગોધરામાં ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ છે.