મહેસાણા પાલિકાએ 100 થી 300 ટકા સુધી કરેલા વેરા વધારા સામે અત્યાર સુધી 10 વાંધા અરજી મળી છે. જેમાં શહેરીજનોએ આ વધારાને માનવતા અને સંવેદનાથી જોજનો દૂર અને પ્રજાજીવનને પીડા આપનારો ગણાવ્યો છે.
મહેસાણાના જાગૃત નાગરિક, કરદાતા કાન્તીભાઇ વીરાભાઇ પ્રજાપતિ દ્વારા જાહેર સંવેદના સાથે પાલિકાના અસહ્ય કરવેરા વધારા સામે વાંધો દર્શાવ્યો છે. પાણીકર, દીવાબત્તીકર, ડ્રેનેજકર, સફાઇકરમાં અસહ્ય વધારાનો પાલિકાએ લીધેલો નિર્ણય અતાર્કિક, બિનવ્યવહારુ અને અવિચારી હોઇ જનપ્રતિનિધિ તરીકે પ્રજાની પીડાને ધ્યાને લઇ કરવેરામાં હળવો ક્રમિક વધારો કરવા સૂચન સાથે વાંધા અરજ કરાઇ છે.
ગાંધીનગર લીંક રોડ પર ગોલ્ડન બંગ્લોઝમાં રહેતા એસ.એસ. પટેલએ વેરા વધારા સામે વાંધા અરજી કરી વધારાની દરખાસ્ત મુલત્વી રાખવા માંગ કરી છે. આ ઉપરાંત, કલ્પેશ વ્યાસ સહિત 10 વાંધા અરજીઓ પાલિકામાં નોંધાઇ છે. હજુ ચાલુ માર્ચ મહિનાના અંત સુધી વાંધા અરજી સ્વીકારાશે અને ત્યાર પછી પાલિકા નિર્ણય કરી નવા વર્ષથી આ વેરો અમલમાં મૂકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.